કોરોના વાયરસથી માણસો પર આફત આવી પડી હતી તેમ સૌરાષ્ટ,કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં પશુઓ પર લમ્પી વાયરસની આફત આવી પડી છે. આ વાયરસની લપેટમાં 1000 જેટલા પશુઓના મોત થયા હોવાનું માનવામાં આવે છે.  લમ્પીનું નામ સાંભળતા જ પશુપાલકોમાં ભય ફેલાઇ રહયો છે. પશુઘન કયાંક તેનો ભોગ બને તો નુકસાન ના વેઠવું પડે તેવી ચિંતા સતાવી રહી છે. જો કે રાહતની વાત એ છે કે આ વાયરસ પશુઓમાંથી માણસમાં ફેલાતો નથી. 

વાયરસ દાખલ થયા પછી એક અઠવાડિયામાં દેખાય છે લક્ષણો 

લમ્પી પશુઓમાં થતો ચામડીનો રોગ છે. જે કેપ્રીપોક્ષ નામના વાયરસથી થાય છે આને લમ્પી વાયરલ પણ કહેવામાં આવે છે. મોટે ભાગે આ ચેપી રોગ ગાયોમાં જોવા મળ્યો છે. ગાયના શરીર પર માખી, મચ્છર, ઇતરડી બેસે તે રોગની વાહક બને છે. બે પશુઓ એક બીજાના સીધા સંપર્કમાં આવે તો પણ ચેપ લાગે છે. જે કેપ્રીપોક્ષ વાયરસ પશુના શરીરમાં દાખલ થયા પછી એક અઠવાડિયામાં ચિહ્નો દેખાવા લાગે છે. 

પશુને તાવ આવે છે અને ચામડી પર ફોલા જેવી ગાંઠો ફેલાય છે. 

 

પશુઓ ખાવાનું બંધ કરી દે છે અથવા તો ઓછું ખાય છે. ચામડી પર ફોલા જેવી ગાંઠો ફેલાય છે. શરીરનું તાપમાન વધી જાય છે. રોગ પ્રતિકારકશકિત ઓછી થાય છે. પશુઓને આ રોગમાંથી મુકત થતા 2 થી 3 જેટલા અઠવાડિયા થાય છે. દૂધાળ પશુઓનું દૂધ ઉત્પાદન ખૂબ ઘટી જાય છે. જો યોગ્ય કાળજી અને સારવાર  ના રાખવામાં આવે તો પશુઓ માટે લમ્પી વાયરસ જીવલેણ બને છે. 

વાયરસે 900 જેટલા ગામોમાં દેખા દિધી છે

આમ તો લમ્પી વાયરસે ઘણા સમયથી દેખા દીધી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેના સંક્રમણમાં વધારો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર 14 જિલ્લાના 37 હજાર પશુઓ રોગમુકત બન્યા છે. 2.70 લાખ પશુધણનું વેકિસનેશન કરવામાં આવ્યું છે.

રાજયના પશુપાલન વિભાગ દ્વારા પશુ ડોકટરોની ટીમ તૈનાત કરીને સર્વેક્ષણ કરવામાં આવી રહયું છે. ચોમાસાની સિઝનમાં મચ્છર અને માંખીઓ દ્વારા આ રોગ ફેલાય છે આથી સ્વચ્છતા જાગૃતિ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. પશુઓના રહેણાક સ્થળ આસપાસ ગંદકી ના ફેલાય તે માટે કિટનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહયો છે. વાયરસે 900 જેટલા ગામોમાં  આ વાયરસે દેખા દીધી છે.