પાવીજેતપુર તાલુકાની ભેંસાવહી હાઇસ્કુલમાં સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિક વિષયક સેમીનાર યોજી લોકજાગૃતિની અભૂતપૂર્વ પહેલ કરાઈ

       પાવીજેતપુર તાલુકાની ભેંસાવહી હાઇસ્કૂલમાં સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિક વિષયક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમીનારનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના જોખમો અને તેના વ્યાપક પ્રભાવ વિશે જાગૃતિ લાવવા માટે હતો.

          શ્રી આદિવાસી માધ્યમિક શાળા, ભેંસાવહી હાઇસ્કુલ ના આચાર્ય ડી.સી. કોલી દ્વારા સેમીનારમાં માહિતી આપવામાં આવી હતી કે સિંગલ યુઝ પ્લાસ્ટિક, જેમ કે પ્લાસ્ટિક બોટલ, પોલિથિન બેગ, સ્ટ્રો, અને કટલરી, જે માત્ર એક જ વાર વાપરીને ફેંકી દેવામાં આવે છે, તે પૃથ્વી માટે કેટલા નુકસાનકારક છે. પ્લાસ્ટિકનો નાશ થવામાં હજારો વર્ષ લાગે છે, અને તે પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ગંભીર પરિણામો સર્જે છે. આ સેમીનારમાં વિદ્યાર્થીઓને વિસ્તારથી સમજાવવામાં આવ્યું કે કેવી રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિક જીવન માટે જોખમરૂપ છે. તેમને આ મુદ્દાને ઉકેલવા માટે વૈકલ્પિક વસ્તુઓના ઉપયોગ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા, જેમ કે કપડાંના થૈલા, સ્ટીલ અથવા કાચના વાસણો, અને અન્ય પુનઃવાપરેલા સામગ્રીનો ઉપયોગ કરવા આહવાન કરવામાં આવ્યું હતું.

            વિદ્યાર્થીઓએ આ પહેલને ખૂબ જ ઉત્સાહથી સ્વીકારી હતી. તેઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને તેમના પરિવારમાં અને સમાજમાં પણ જાગૃતિ ફેલાવવાનું વચન આપ્યું હતું. સેમીનારમાં સિનિયર શિક્ષક એવા ગણપતભાઇ બારિયાએ પણ પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવા માટે સરકારી નીતિઓ અને તેનાથી થતા નફા-નૂકશાન પર પણ પ્રકાશ પડ્યો હતો.

        શ્રી આદિવાસી માધ્યમિક શાળા, ભેંસાવહી હાઈસ્કુલ દ્વારા આ લોકજાગૃતિ અભિયાન એક અનોખી પહેલ હતી, જેનાથી સમૂહમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પ્રકારની પ્રેરણાદાયી પ્રવૃત્તિઓ દ્વારા જ આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકના જથ્થાને ઘટાડીને સ્વચ્છ અને સ્વસ્થ જીવન તરફ એક પગલું ભરી શકીએ તેમ છે.