જિલ્લા કલેકટર કે.સી.સંપટે આઇ.ઓ.સી.એલ.ના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) ફંડમાંથી જિલ્લાની પાંચ આંગણવાડી કેન્દ્રનો ઉદ્ઘાટન કાર્યક્રમ બાળા ગામે યોજાયો હતો. બાલા આંગણવાડી કેન્દ્ર સાથે લીલાપુર, ચામરાજ, સદાદ અને બજરંગપુરા એમ કુલ અન્ય ચાર આંગણવાડી કેન્દ્રોનું ઈન્ડિયન ઓઈલની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પહેલ હેઠળ આવશ્યક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે નવીનીકરણ કરવામાં આવ્યું છે.રૂ.46 લાખના ખર્ચે ત્રણ મહિના જેટલા ટૂંકા સમયગાળામાં આ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાં નવી બાંધવામાં આવેલી સેપ્ટિક ટાંકી અને સોક પિટ્સ, ભૂગર્ભ અને પાણીના સંગ્રહની સુવિધાઓ, બાળકોને રક્ષણ માટે બાઉન્ડ્રી વોલ, ટોઇલેટ, બ્લોકનું બાંધકામ વગેરે જેવી સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે.વધુમાં આ આંગણવાડી કેન્દ્રો ખાતે પીવાના પાણી, મોશન સેન્સર ડસ્ટબિન, સેનિટરી નેપકીન ડિસ્પેન્સર, સેનિટરી પેડ ઇન્સિનેરેટર્સ, કિચન સ્ટોવ, ઓફિસ માટે ખુરશીઓ અને ટેબલ, બીપી મોનિટરિંગ ડિવાઇસ, ટેમ્પરેચર ગન અને આરઓ પ્લાન્ટ્સ આપવામાં આવ્યા છે.કુલ 369 જેટલા લાભાર્થીઓને આ નવીનીકરણનો સીધો લાભ મળશે. ઇન્ડિયન ઓઇલની આ પહેલ સમુદાય માટે ઉજ્જવળ અને સ્વસ્થ ભવિષ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. જે જિલ્લામાં બાળકોની સુખાકારી અને સર્વગ્રાહી વિકાસને પ્રોત્સાહન આપે છે.આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશ તન્ના, ઈન્ડિયન ઓઈલ વેસ્ટર્ન રિજન પાઈપલાઈન્સના ચીફ જનરલ મેનેજરશ્રી જી.વેંકટરામનન, પ્રાદેશિક વડાશ્રી ચંદ્રશેખર ઉપસ્થિત રહ્યા હતા.