દાંતીવાડા તાલુકાના વાઘરોલ ગામના ખેડૂતે દેના ગુજરાત ગ્રામીણ બેન્કમાંથી લોન લઈ રકમ ભરપાઈ ન કરતા ડીસા કોર્ટે ખેડૂતને એક વર્ષની કેદની સજા તેમજ લોનની રકમ ભરપાઈ કરવાનો હુકમ કર્યો હતો.

દાંતીવાડા તાલુકાના વાઘરોળ ગામમાં રહેતા ખેડૂત કેવાજી નગાજી માળી પોતે બટાટાનું વાવેતર કરે છે અને બટાટા કોલ્ડ સ્ટોરેજમાં મુકવાના હોવાથી જય રણછોડ કોલ્ડ સ્ટોરેજમાં 7500 કટ્ટા મૂકી જે બટાટા તારણમાં મૂકી ડીસાની દેના ગુજરાત ગ્રામીણ બેંકમાંથી રૂ. 25 લાખની લોન લીધી હતી. જે લોનના નાણાં વ્યાજ સહિત રૂ. 26 લાખ ન ચૂકવતા બેંકે અનેક વખત નોટીસ આપી જાણ કરતા કેવાજી માળીએ બેન્કને ચેક આપ્યો હતો. જે ચેક બેંક દ્વારા જમા કરતા ખાતામાં પૂરતા નાણાં ન હોવાથી ચેક રિર્ટન થયો હતો.

દેના ગુજરાત ગ્રામીણ બેંકના બ્રાન્ચ મેનેજર ગીરીશભાઈ લક્ષ્મીચંદ ગજ્જરે ડીસા કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસ ડીસા એડિશનલ ચીફ જ્યુડીસીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ યોગેશ પટેલે બેન્ક તરફે એડવોકેટ કે.વી. ગેલોતની રજૂઆતો અને પુરાવાને ગ્રાહ્ય રાખી આરોપી કેવાજી નગાજી માળીને ધી નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ દોષી ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા તેમજ રૂ 26 લાખ બેંકને ચૂકવવા અને રકમ ન ચૂકવે તો વધુ એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.