ગુજરાતમાં મુશળધાર વરસાદ વચ્ચે મોડા મોડા બનાસકાંઠામાં ચોથા રાઉન્ડમાં મેઘ મહેરની શરૂઆત થઈ છે. ત્યારે ડીસા પંથકમાં મોડી રાત્રેથી પડી રહેલા અવિરત વરસાદના કારણે ડીસા પંથકના ગામોની સ્થિતિ ભયજનકમાં મુકાઈ છે. ત્યારે ડીસાના બાઈવાડા ગામે પ્રાથમિક શાળાની ચારે બાજુ પાણી ભરાઈ જતાં બાળકો શાળાએ જઈ શકે તેવી સ્થિતિ ન હતી.
આજે પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિન હોવાથી શાળામાં શિક્ષક દિનનો કાર્યક્રમ તેમજ શાળાના શિક્ષકોએ તિથિ ભોજન આપતાં બાળકો શાળાએ આવ્યા હતા પરંતુ શાળામાં જઈ શકે તેમ ન હતા. જેથી ગામના લોકો ટ્રેક્ટર મારફત બાળકોને શાળામાં લઈ ગયા હતા અને મોડેથી બહાર પણ લાવ્યા હતા. આ શાળામાં જવાનો માર્ગ નીચાણવાળો હોઈ કેડ સમા પાણી ભરાઈ જવા પામ્યા હતા.
આ બાબતે ગામના યુવક જયેશ મોદીએ જણાવ્યું હતું કે, ગામની પ્રાથમિક શાળા આગળ તેમજ ડેરી આગળ નીચાણવાળો ભાગ હોય વર્ષોથી પાણી ભરાઈ જાય છે. જે અંગે ગ્રામજનોએ અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છે, પરંતુ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરાતી નથી. જેથી દર ચોમાસા એ બાળકોને આ રીતે પાણીમાં ચાલીને અથવા ટ્રેક્ટરમાં બેસીને શાળામાં જવું પડે છે.
જ્યારે શાળાના આચાર્ય અરવિંદભાઇ ગેલોતે જણાવ્યું હતું કે, શાળામાં આજે શિક્ષક દિન હોવાથી શિક્ષકો દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. જેથી બાળકો આવ્યા હતા પરંતુ વધુ વરસાદથી બહાર પાણી ભરાઈ ગયું હતું. ગ્રામજનોની મદદથી તેઓને ટ્રેક્ટરમાં લાવવામાં આવ્યા હતા બાળકો શાળામાં સલામત છે.