ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૪ વિશેષ..

અત્યાર નું સ્થાનક ૧૨૦૦ વર્ષ જેટલું પુરાણું..

મહિષાસુર નામના રાક્ષસનો વધ કરી આદ્યશકિત અંબા મહિષાસુર મર્દિની કહેવાયા..

અંબાજી નાં વર્ણન-સ્તુતિઓની પરંપરા પુરાણો થી લઈને અર્વાચીન ઈતિહાસ અને પ્રવાસ વર્ણનોમાં..

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી ૧૨ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાઇ રહ્યો છે. લાખો કરોડો માઈભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર અંબાજી અનેક રીતે મહત્વ ધરાવે છે ત્યારે આવો જાણીએ આ શકિતપીઠનું મહાત્મ્ય દેવી ભાગવત" અનુસાર અગ્નિદેવી ની કૃપાથી મહિષાસુર નામનો રાક્ષસ નરજાતિથી મરી ન શકે તેવું વરદાન ધરાવતો હોઈ અતિ બળવાન બની અત્યાચાર અને ત્રાસ વર્તાવતો હતો..

આ બળવાન દાનવનો સંહાર કરવા દેવોએ ભગવાન શિવજી ને પ્રાર્થના કરી તે સમયે એક તેજ પ્રગટ થયું અને મા આદ્યશક્તિ પ્રગટ થયાં. આ દાનવોનો સંહાર માતાજીએ કરતાં તેઓ મહિષાસુર મર્દિની કહેવાયા છે. આ બળવાન દાનવનો સંહાર કરવા દેવોએ ભગવાન શિવજીને પ્રાર્થના કરી તે સમયે એક તેજ પ્રગટ થયું અને મા આદ્યશક્તિ પ્રગટ થયાં અને માતાજી ત્યાં જ સ્થિર થઈ ગયા..

આ સ્થળ એટલે જ શકિતપીઠ અંબાજી એક દંતકથા અનુસાર માતાજીના અનન્ય ઉપાસક અને દાંતા સ્ટેટના મહારાણા માતાજીને અંબાજીમાં લાવ્યા હતા. મહારાણા આગળ આગળ ચાલતા હતા અને પાછળ માતાજીની સવારી આવતી હતી. મહારાણાને પાછળ જોવાની મનાઈ હતી. રસ્તામાં ગાઢ જંગલ આવતાં સહજ રીતે મહારાણાથી પાછળ જોવાયુ કે માતાજી કેટલે દૂર છે. બસ માતાજી તે ક્ષણે ત્યાં જ સ્થિર થઈ ગયાં. પછી મહારાણાએ સ્થળે મંદિર બનાવ્યું. જે આજે જોઈ શકાય છે. મંદિર પ્રાગૈતિહાસિક કાળનું હોવાનું મનાય છે. પણ ઉપલબ્ધ પરિસ્થિતી જોતાં અત્યારનું સ્થાનક ૧૨૦૦ વર્ષ જેટલું પુરાણું છે. અંબાજીનાં વર્ણન-સ્તુતિઓની પરંપરા છેક પુરાણોથી લઈને આદિ શંકરાચાર્ય તથા અર્વાચીન ઈતિહાસ અને પ્રવાસ વર્ણનોમાં પણ જોવા મળે છે..

રવપાલજી પરમારને માએ રાજ્ય અપાવ્યું

ઉજજૈનના પ્રખ્યાત પરમાર રાજા વિક્રમના પછી ૪૦મી પેઢીએ રવપાલજી પરમાર થયા. તે દ્વારકાની યાત્રાએ ગયા હતા. ત્યાંથી પાછા વળતાં કચ્છ અને સિંધની સરહદ ઉપર નગરઠઠ્ઠા છે તેની પાસે અંબિકા દેવીના સ્થાનક આગળ આવ્યા પછી તેમણે એવો નિયમ લીધો કે માતાજીની પૂજા કર્યા સિવાય અન્ન, પાણી લેવું નહિ. દેવી અંબિકા તેમના પર પ્રસન્ન થયાં અને રવપાલજીને ઈ.સ.૮૦૯ માં સિંધનું રાજ્ય પાછુ મળ્યું.

જસરાજ અંગેની દંતકથા

રાજવી જસરાજ માટે દંતકથા એવી છે કે તેમના પિતા દામોજીને સંતાન નહોતું. તેથી માતાજીએ પોતાની આંગળી કાપી એ રક્તમાંથી બાળક બનાવ્યો. તેનું નામ જસરાજ પડયું. દેવીએ એમ પણ કહ્યું હતું કે, મારા દેવળનું રક્ષણ કરવા મેં એનું સર્જન કર્યું છે. જસરાજ પોતાના ગબ્બરગઢનું રાજ્ય પોતાના કુંવર કેદારસિંહજીને સોંપી નગરઠઠ્ઠા ગયા હતા..

કેદારસિંહજીએ ઈ.સ. ૧૦૬૯ માં “તરસંગ” માં તરસંગીયા ભીલ નામના રાજાને મારી હટાવી પોતાની ગાદી ગબ્બરગઢથી તરસંગમાં લઈ ગયા હતા. તે પછી રાણા જેતમલજી ઈ.સ. ૧૫૪૪ માં પોતાની રાજગાદી દાંતામાં લાવ્યા હોવાનો ઉલ્લેખ છે. દાંતા મહારાજના વારસદારો આજે પણ દર વર્ષે આસો નવરાત્રિની આઠમે પરિવારની રસમ અનુસાર અંબાજી આવી વિધિવત માની પૂજા કરે છે..