ડીસામાંથી ચોરાયેલા બાઈકનો ભેદ બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી બે શખ્સોની અટકાયત કરી હતી. જિલ્લા પોલીસ વડાની સૂચના અને જિલ્લા એલસીબી પીઆઈ વી.જી.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સ્ટાફ ડીસા વિસ્તારમાં મિલ્કત સબંધી ગુનાઓ શોધવા પેટ્રોલિંગમાં હતો.

તે દરમિયાન ડીસા શહેરના રીલાયન્સ પેટ્રોલ પંપની સામે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, બે ઇસમો પોતાના કબ્જામાં રહેલ બાઈક (નં. GJ 01 UX 4397) ચોરી કે છળકપટથી મેળવેલી હોવાથી સસ્તા ભાવે વેચવા ફરે છે અને ગાયત્રી મંદિર તરફથી આખોલ ચોકડી તરફ આવી રહેલા છે.

બાતમી આધારે સજાવટ ફર્નીસિંગ શોરૂમ આગળ વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાઈક આવતા પ્રકાશભાઈ બળદેવભાઈ લુહાર (રહે. ટેકરા હાલ ભોંયણ તા.ડીસા) અને અજયભાઈ અશોકભાઈ લુહાર (રહે.ધાનેરા)ને બાઈકના માલિકીપણા બાબતના આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવેલું.પછી યુક્તિપૂર્વક પુછપરછ કરતાં તેમણે તેમના કબ્જામાં રહેલી બાઈક એક દિવસ અગાઉ ભોયણ ગામની સીમમાં આવેલા આશાપુરા સોસાયટી ભાગ-1 માંથી ચોરેલી હોવાનુ કબૂલ્યું હતું. જેથી બાઈક અંદાજે કિંમત રૂ. 40,000 ની કબ્જે કરી બન્ને વિરુદ્ધ ગુનો નોંધી ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.