ડીસા-જૂનાડીસા વચ્ચે 17 શહીદ દરગાહ પાસે સોમવારે એક સ્વિફ્ટ કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઈક પર સવાર માતા-પુત્રને ગંભીર ઇજાઓ થતાં ડીસા સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ડીસાની હિમાલય સોસાયટીમાં રહેતા પ્રકાશ રાજુભાઈ ઠાકોર અને તેમની માતા મંજુબેન બાઈક પર સોમવારે ખરડોસણ ગામ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન ડીસાથી જૂનાડીસા વચ્ચે 17 શહીદની દરગાહ પાસે પાટણ તરફ જઈ રહેલી સ્વિફ્ટ કાર ચાલકે તેમના બાઇકને સામેથી ટક્કર મારતા બંને જણા નીચે પટકાયા હતા. જેમાં પ્રકાશને માથાના ભાગે અને પગના ભાગે ઇજાઓ થઈ હતી. જ્યારે મંજુબેનને પણ પગ અને હાથ પર ઇજા થતાં ફેક્ચર થવા પામ્યા હતા.
આ બનાવથી આજુબાજુથી લોકો એકત્ર થયા હતા અને બંનેને સારવાર માટે તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ડીસા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં બાઇકનો ભુક્કો બોલી ગયો હતો.