ઉત્તર ગુજરાત વીજ કંપની લી. દ્વારા ડીસા શહેરમાં વીજ કંપનીની તમામ લાઈનો અંડરગ્રાઉન્ડ કરવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. રૂપિયા 63.7 કરોડના ખર્ચે હાલમાં શહેરના નવ ફીડરમાંથી છ ફીડરમાં આવતા વિસ્તારમાં વીજ લાઈનો અંડર ગ્રાઉન્ડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ડીસા શહેરમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ખુલ્લી વીજ લાઈનો અંડર ગ્રાઉન્ડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વીજ કંપનીના શહેરમાં કુલ 9 ફીડર આવેલા છે. જેમાં હાલમાં 6 ફીડરમાં આ કામગીરીનો પ્રારંભ કરાયો છે. જેમાં 11 કેવીની હેવી વીજલાઈનોને જમીનમાં એચડીપીઇ પાઇપ લાઈન મારફતે અંડર ગ્રાઉન્ડ કરવામાં આવશે. અંડર ગ્રાઉન્ડ કામગીરી દરમિયાન પ્રથમ તબક્કામાં કુલ 9 ફીડરમાંથી 6 ફીડરમાં કામગીરી માટે બે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જ્યારે બીજા તબક્કામાં પાટણ હાઇવે, વેલુનગર, કાંટ રોડ વિસ્તારના ફીડર વિસ્તારની કામગીરી માટે ડોક્યુમેન્ટ પ્રોસેસિંગ ચાલી રહી છે.
આ અંગે ડીસા યુજીવીસીએલના નાયબ ઇજનેર જે.કે ઠક્કરે જણાવ્યું હતું કે, "વીજ લાઈનો અંડર ગ્રાઉન્ડ કરવાની કામગીરી અંતર્ગત હાલમાં ટ્રાન્સફોર્મર ના બેઝ અને પ્લીન્થ લેવલની કામગીરી શરૂ કરાઇ છે. પ્રથમ તબક્કામાં રૂપિયા 63.7 કરોડના ખર્ચે 6 ફીડરની કામગીરી હાથ ધરાશે. લગભગ બે વર્ષ ના સમયગાળા દરમિયાન કામગીરી પૂર્ણ થશે.
વીજ લાઈનો અંડર ગ્રાઉન્ડ થતાં વાવાઝોડા વરસાદ સહિતની કુદરતી આપત્તિઓ વખતે વારંવાર થતાં ટીપિંગ સહિતના નાના-મોટા ફોલ્ટની સમસ્યાનો લગભગ અંત આવી જશે. હાલમાં પ્રાઇવેટ સોસાયટીઓમાં કામગીરી શરૂ કરાઇ છે. ત્યારબાદ પાલિકા વિસ્તારની કામગીરી શરૂ કરાશે. શહેરમાં કુલ 63 કિલોમીટર જેટલી વીજ લાઈનો અંડર ગ્રાઉન્ડ કરવામાં આવશે."