મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના નવી મેત્રાલ ખાતે આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત 'વિશ્વ આદિવાસી દિવસ'ની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થયા હતા.

 

મુખ્યમંત્રીશ્રીના વરદ્હ્સ્તે ગુજરાતના આદિવાસી વિસ્તારોના વિકાસ અને આદિવાસી સમાજના કલ્યાણની નેમ સાથે સમગ્ર રાજ્યમાં કુલ ₹411 કરોડથી વધારેના વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત તથા ₹602 કરોડથી વધુના વિકાસકાર્યોના લોકાર્પણ સંપન્ન કરવામાં આવ્યા હતા.

 

મુખ્યમંત્રીશ્રી દ્વારા આ અવસરે આદિજાતિ લાભાર્થીઓને કુલ ₹66.89 કરોડના વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ તથા રમતગમત સહિતના વિવિધ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર યુવાઓ તેમજ વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મુખ્યમંત્રીશ્રીએ 10 વર્ષના પર્યાવરણ પ્રેમી બાળક રચિત ભગોરાના કાવ્યસંગ્રહ ‘કુંપળ’નું વિમોચન કરી તેની પ્રતિભાને બિરદાવી હતી.

 

મુખ્યમંત્રીશ્રીએ સર્વે આદિવાસી બંધુઓને ‘વિશ્વ આદિવાસી દિવસ’ની શુભકામના પાઠવતાં આજના આ વિશિષ્ટ દિવસને આદિવાસી બાંધવોની અસ્મિતા, ગૌરવ અને વિકાસયાત્રાને ઉજવવાનો દિવસ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી બાંધવોને અમૃતકાળમાં ભારતની વિકાસયાત્રામાં ભાગીદાર બનાવવાનું કામ કર્યું છે. રાજ્યના આદિવાસી સમાજની સંસ્કૃતિના જતન સાથે તેમના જીવનધોરણને વધુ સમૃદ્ધ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીને તેમણે આદિવાસી સમુદાયની સામાજિક-આર્થિક પ્રગતિ માટે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાત આદિવાસી વિકાસનું આગવું મોડલ બન્યું છે અને આઝાદીનો આ અમૃતકાળ ગુજરાત અને સમગ્ર દેશની આદિજાતિના સર્વાંગી વિકાસનો અમૃતકાળ બની રહેશે.