રાજ્યમાં વિધાનસભાની ચુંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા જનતાને લોભામણી સ્કીમો આપવામાં આવી રહી છે ખાસ કરીને આમ આદમી પાર્ટીએ ભાજપનું ટેંશન વધાર્યું છે અને કેજરીવાલ વારંવાર ગુજરાતમાં આવીને કઈક ને કઈક નવી જાહેરાત કરતા જાય છે ત્યારે બીજી તરફ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર એક વર્ષ પૂરું કરવા જઈ રહી છે, તો બીજી બાજુ ભાજપ સંગઠનના પ્રમુખ તરીકે સી.આર.પાટીલે બે વર્ષ પુરા કરી લીધા છે. હવે બંન્નેની વિધાનસભાની ચૂંટણીમાં પરીક્ષા થવા જઈ રહી છે, વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કાર્યકરોની સાથે ચૂંટાયેલા ધારાસભ્ય, મંત્રીઓની કામગીરીનું પણ મૂલ્યાંકન થવાનું છે. સાથે સાથે 150થી વધુ બેઠકો મેળવવા માટેનો ટાર્ગેટ પૂરો કરવા સૌનો સાથ જરૂરી છે. આ બધી પરિસ્થિતિ સાથે પટેલ સરકારે એક વર્ષમાં શું શું કર્યું એનો હિસાબ પણ જનતાને આપવામાં આવે તેવા કાર્યક્રમો માટે તૈયારીઓ ભાજપમાં ચાલી રહી છે.

બીજી સૌથી મહત્વની વાત કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમજેમ નજીક આવી રહી છે, અને આ વખતનો જંગ ત્રિપાંખિયો થશે તે નક્કી છે ત્યારે ભાજપ હવે કોઇ જોખમ લેવાના મૂડમાં નહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે પરિણામે વય મર્યાદા વાળી વાત ઉપર હાલ પૂરતી કોઈ ચર્ચા થતી નથી,કારણકે જો 60 વર્ષથી વધુ વયના ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવે તો સૌરાષ્ટ્રનાજ 13 જેટલા વર્તમાન ધારાસભ્યની ટિકિટ કપાઇ જાય તેમ છે.

મહાનગરપાલિકાની ચૂંટણીમાં નો રિપીટ અને સિક્સ્ટી પ્લસને ટિકિટ નહીં આપવાનો ભાજપે નિયમ અમલી બનાવ્યો હતો અને તેનું ઇચ્છિત પરિણામ મળતાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપ 60 વર્ષથી વધુ વયના ધારાસભ્યોને ટિકિટ નહીં આપે તેવા અગાઉ નિર્દેશો આપ્યા હતા પરંતુ છેલ્લા સમયમાં આમ આદમી પાર્ટીનું જોર વધતા રાજકીય સમીકરણો બદલાયા અને જંગ હવે ત્રિપાંખિયો દેખાઇ રહ્યો છે ત્યારે ભાજપ કોઇ જોખમ ઉઠાવવા માગતું નથી અને પોતે જ નક્કી કરેલા નિયમોમાં ફેરફાર કરીને વય મર્યાદા 60ને બદલે 70 વર્ષ સુધીના ધારાસભ્યોને ટિકિટ આપી શકે છે.