અમદાવાદ સાબરમતી વિસ્તારના બે યુવકો કાંકરેજના થરામાં આવ્યા હતા. જ્યાંથી રાધનપુરનો મિત્ર બાઇક ઉપર બેસાડી રાધનપુર લઈ જતો હતો. ત્યારે કાંકરેજના ભલગામ નજીક રાણકપુર કેનાલ આગળ પાછળથી આવેલા ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારી હતી. જેમાં અમદાવાદના બન્ને યુવકોના કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે બાઇક ચાલકનો બચાવ થયો હતો. આ અંગે તેણે નાસી છૂટેલા ટ્રક ચાલક સામે થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદ સાબરમતી ઠાકોરવાસ, ગાંધીવાસ-2 માં રહેતા અશોકભાઈ ઠાકોર (ઉં.વ.24) અને સાબરમતી, મોટેરા રોડ, સતકેવલ નગર, ગાંધીવાસ-2માં રહેતા યશભાઈ કિશનભાઈ દંતાણી (ઉં.વ.19) ગુરુવારે કાંકરેજના થરા આવ્યા હતા.
જ્યાંથી મોડી રાત્રે રાધનપુર થઇ અમદાવાદ જવાનું હોઇ રાધનપુર રહેતા તેમના મિત્ર બટુકભાઈ વસંતભાઈ સથવારા (ઉં.વ.22) ને બાઈક લઈ બોલાવ્યા હતા. જે ત્રણેય જણા બાઇક નં. જીજે-24-એએન-9993 ઉપર થરાથી રાધનપુર જઈ રહ્યા હતા. ત્યારે કાંકરેજના ભલગામ નજીક રાણકપુર કેનાલ પાસે પાછળથી આવતી અજાણી ટ્રકે ટક્કર મારતાં બાઈક સ્લીપ થઈ ગયું હતું.
જેમાં સમીરભાઈ તથા યશભાઈ ઉપર ટ્રકનું ટાયર ફરી વળતાં કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે બાઈકચાલક બટુકભાઇને ઈજાઓ થઈ હતી.