ફ્રોડ કરવાનો નવો હતકંડો

એએસઆઈ ના સ્વાંગમાં પાવીજેતપુરના દંપતીને કોલ કરી પુત્ર બળાત્કાર કેસમાં પકડાયો છે કહી પૈસાની કરી માંગ 

પુત્રને ફોન કરતા પુત્ર ઘરે જ હોવાથી આબાદ થયેલો બચાવ

          પાવીજેતપુર નગરમાં એક દંપતી ઉપર એએસઆઇ નાયક બોલું છું કહી કોલ આવ્યો હોય અને તમારો પુત્ર ભાઈબંધો સાથે બળાત્કારના કેસમાં પકડાયો છે કહી પચાસ હજાર રૂપિયાની માંગ કરી હતી. પુત્રને કોલ કરતા પુત્ર ઘરે જ હોવાથી ફ્રોડ થવા માંથી આબાદ બચાવ થયો હતો.

          પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર નગર નું નોકરીયાત દંપતી પોતાની નોકરી પર હતા ત્યારે પત્ની ઉપર વોટ્સઅપ કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ એ.એસ.આઇ નાયકની આપી હતી બાદમાં જણાવ્યું હતું કે તમારો પુત્ર તેના ભાઈબંધો સાથે બળાત્કાર કેસમાં પકડાયો છે. સ્વાભાવિક રીતે જ પોતાના સંતાનને પોલીસ પકડી જઈ અને બળાત્કાર કેસની વાત સાંભળતા જ પત્ની ધ્રુજવા લાગી હતી. એક જ સ્થળ ઉપર નોકરી કરતા હોય તેથી કોલ ચાલુ રાખીને જ પત્ની પતિ પાસે પહોંચી ગઈ હતી. પતિએ સામેવાળી વ્યક્તિ સાથે વાત કરતા તેને પોતાની જાતને એએસઆઇ નાયક બોલું એમ કહીને એ જ વાત ફરીથી દોહરાવી હતી કે તમારો પુત્ર બળાત્કાર કેસમાં પકડાયો છે. પતિએ કહ્યું કે મારો પુત્ર ક્યાં છે ? ત્યારે ફોન ઉપર પુત્ર સાથે પણ વાત કરાવી હતી. પુત્રના અવાજમાં સામેથી કહ્યું કે મને બચાવો, મને બચાવો. તરત ચિટરે ફોન લઈ લીધો હતો. પતિએ કહ્યું કે તમે ક્યાંથી બોલો હું ત્યાં આવું. ત્યારે સામેવાળી વ્યક્તિએ કહ્યું કે હું ખૂબ બીજી છુ, હમણાં મારી પાસે સમય નથી કહી વાતને ટાળી હતી. સ્વાભાવિક રીતે જ પોતાના પુત્ર ઉપર બળાત્કારનો ભયંકર જુઠો કેસ લાગતા દંપત્તિ ગભરાઈ ગયું હતું. હવે શું કરવું પડે તેમ વિચારતા હતા ત્યારે જ સામેવાળી વ્યક્તિએ કહ્યું કે હું એનું કેસમાં નામ નહીં લખું પરંતુ તમારે પૈસા આપવા પડે કહી ૫૦,૦૦૦/- રૂપિયાની માંગ કરી હતી. પતિએ કહ્યું કે આખર તારીખ હોય અને મારી પાસે પૈસા જ નથી અંતે ૫૦૦૦ રૂપિયા જી પે કરવાની વાત થઈ હતી. આ વાતો દરમિયાન પતિને સદબુદ્ધિ સુજતા તેને પોતાના પુત્રને ફોન કર્યો હતો. અને પૂછ્યું હતું કે તું ક્યાં છે ? તો તેને જણાવ્યું હતું કે હું ઘરે છું આજે કોલેજ ગયો નથી. ત્યારે દંપતીએ હાશકારો લીધો હતો. સામેવાળી વ્યક્તિને કહ્યું હતું કે તમે ખોટું બોલી રહ્યા છો. સામેવાળી વ્યક્તિ કોલ કાપી નાખ્યો હતો. સદનસીબે દંપત્તિ સાથે ફ્રોડ થતું થતું રહી ગયું હતું. 

             આમ, ફ્રોડ કરવાના નવા નવા કિમયા લોકો અપનાવી રહ્યા છે. તમારા પુત્રનું અકસ્માત થયું છે, તમારા પતિનું અકસ્માત થયું છે તેમ કહી કોલ કરી ફ્રોડ થયાના કેટલાય કેશો જોવામાં આવ્યા છે. પરંતુ આ નવો જ હતકંડો અપનાવવામાં આવ્યો હોય, પુત્રને જ બળાત્કારનો કેસ લગાવી દંપતિ સાથે ફ્રોડ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેને લઇ સમગ્ર નગરમાં ચકચાર મચી જવા પામી હતી. સાથે સાથે આવા કોઈ પણ ફોન ઉપર એકદમ વિશ્વાસ ન કરી શાંતિથી વિચારીને પગલાં ભરવા તે ખૂબ જરૂરી થઈ જવા પામ્યુ છે.