થરાદના દાંતીયા ગામમાં રવિવારે રાત્રે અજાણ્યા શખ્સનો કોલ આવ્યા બાદ ઘરથી બહાર ગયેલા યુવકનો મૃતદેહ સોમવારે સવારે ગામના ખરાબામાંથી મળી આવ્યો હતો. પરિવારે તેની હત્યા કરાઇ હોવાનું જણાવતાં પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
થરાદના દાંતીયા ગામના પ્રવિણભાઇ મગનભાઇ ઠાકોરનો મૃતદેહ સોમવારે સવારે ગામની ખરાબાની જમીનમાંથી મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યો હતો. જેની જાણ તેના પરિવારને થતાં ગ્રામજનોને એકઠા થયા હતા. આ અંગે પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ પણ દોડી આવી હતી. અને મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ અંગે મૃતકના પિતા મગનભાઇએ જણાવ્યું હતું કે, રવિવારની રાત્રે તેમનો પુત્ર જમીને ઉંઘતો હતો. આ વખતે કોઇનો ફોન આવતાં તે બહાર ગયો હતો. અજાણ્યા શખસનો કોલ આવતાં ત્યાં ગયા બાદ સવારમાં તેના પિતાને મૃતદેહ નજરે પડ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.