પાલનપુરના જગાણા ગામની સીમમાંથી અઠવાડિયા પૂર્વે યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવ્યા બાદ પોલીસે સીસીટીવીના આધારે હત્યાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડયો છે.
પાલનપુર તાલુકાના જગાણા ગામની સીમમાં સાત દિવસ પહેલા અજાણ્યા ઈસમની મળેલી લાશનો ભેદ ઉકેલ્યો છે. 10 હજાર રૂપિયા અને મોબાઈલની લેતીદેતી મામલે નજીવી તકરારમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યાના વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલવા માટે 100 જેટલા સીસીટીવી ચકાસ્યા હતા અને આરોપી સુધી પહોંચવામાં સફળ રહી હતી.
તા. 20 જુલાઇના રોજ પાલનપુર તાલુકાના ભાગળ જગાણા ગામની સીમમાં એક અજાણા ઈસમની લાશ મળી આવી હતી. આ બાબતે પાલનપુર તાલુકા પોલીસે મૃતદેહ નો કબજો મેળવી સઘન તપાસ હાથ ધરી હતી. સાત દિવસ બાદ ઈસમની 10 હજાર રૂપિયા અને મોબાઈલની લેતીદેતીની તકરારમાં હત્યા કરાઈ હોવાનો મોટો ખુલાસો થયો છે. મૃતક સાબરકાંઠાના ગણવા ગામના દિતાભાઈ માનાભાઈ ડાભી અને જોગીવાડ ઉદેપુર રાજસ્થાનવાળા લાડુભાઈ ઉર્ફે લાલો બુબંડીયા વચ્ચે 10 હજાર રૂપિયાની લેતીદેતી અને મોબાઈલ ફોનની તકરાર થઇ હતી.
જેમાં લાડુભાઈ ઉર્ફે લાલો બુબંડીયાએ દીતાભાઈને ઈંટના ઘા મારી હત્યા કરી લાશને સીમમાં ફેંકી દીધી હતી. ત્યારે પોલીસે લાશનો કબ્જો મેળવી તપાસ હાથ ધરી જેમાં શંકાના આધારે પોલીસે હત્યા કરનાર લાલા બુંબડિયાની પૂછપરછ કરતા હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. પાલનપુર તાલુકા પોલીસે રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના જોગીવાડ ગામના લાડુભાઈ ઉર્ફે લાલો બુબંડીયાને ઝડપી તેને જેલ હવાલે કરી દીધો છે.