પાવીજેતપુર તાલુકાના ડુંગરવાંટ પ્રાથમિક શાળાના ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓને કાદવ કિચડવાળા પાણીમાંથી પસાર થતાં બાળકો, વાલીઓમાં ચાંદીપુરાનો ભય
પાવીજેતપુર તાલુકાના ડુંગરવાંટ ગામે પ્રાથમિક શાળામાં ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હોય છે. તેઓને કાદવ કિચડ અને જીવજંતુવાળા પાણીમાંથી પસાર થવાની ફરજ પડે છે. જેનાથી બાળકોને હાલ ચાલી રહેલ ચાંદીપુરા રોગ થઈ જવાની દેહસત વાલીઓમાં દેખાઈ રહી છે.
પાવીજેતપુર તાલુકાની ડુંગરવાંટ ગૃપ શાળામાં ગામના તેમજ આજુબાજુના નજીકના ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓ ૧ થી ૮ ધોરણમાં ભણવા માટે આવે છે. આ પ્રાથમિક શાળાની નજીક જ મોટા બે ખાડા બનાવવામાં આવ્યા છે જે ખુલ્લા હોય તેમજ શાળાએ જવાના રસ્તા ઉપર આરસીસી રોડ હોય જે ખૂબ ખખડધજ થઈ જવાના કારણે પાણી ભરાઈ જ રહે છે તેમજ આજુબાજુ પણ કાદવ કિચડ થઈ જવાના કારણે બાળકોને ઘણીવાર ના છૂટકે આ કાદવ કીજડ વાળા પાણીમાંથી પસાર થવાની ફરજ પડે છે. અને ચોમાસામાં તો વરસાદના ચાર છાંટા પડતા જ અહીંયા તળાવ જેવી પરિસ્થિતિ થઈ જાય છે ત્યારે નગરજનોએ સંબંધિત વ્યક્તિઓને રજૂઆત પણ કરી હોય પરંતુ આજ દિન સુધી તેનો કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. જેને લઇ આ બાળકોને હાલ ભયંકર એવા ચાંદીપુરા રોગ થઈ જવાની દેહસત બાળકો અને વાલીઓમાં જણાઈ રહી છે. સામાન્ય રીતે ચોમાસામાં રોગચાળો વધુ ફેલાતો હોય અને તેમાં પણ આવા કાદવ કીચડવાળા અને જીવજંતુવાળા પાણીમાંથી પસાર થવુ પડે તો તેના માટે જવાબદાર કોણ ? આવા વેધક સવાલો નગરજનોમાં ઉઠી રહ્યા છે. તો તંત્ર આ અંગે ધ્યાન આપી ૫૦૦ મીટર જેટલો જ આરસીસી રોડ હોય, જો ચોમાસામાં કમ્પ્લીટ ન કરી શકાતો હોય તો કાદવ કીચડ ન થાય તે માટે છારું નાખી દેવામાં આવે અથવા પાણીનો નિકાલ થઈ જાય એવું કોઈ નક્કર આયોજન કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. સાથે સાથે શાળાની આસપાસ બે ખાડા હોય તે પણ વેળાસર પૂરી દેવામાં આવે તે પણ ખૂબ જરૂરી છે. જો આ ખાડામાં પાણી ભરાશે અને કોઈક નાનું બાળક અંદર પડી જશે અને કોઈ મોટી હોનારત થશે. તો તેના માટે પણ જવાબદાર કોણ ? આવા ઘણાવેધક સવાલો જનતા કરી રહી છે. તો તંત્ર આ અંગે યુદ્ધના ધોરણે ઘટતું કરી આ રસ્તાને ચોખ્ખો કરાવે એવી જનતાની બુલંદ માંગ ઉઠવા પામી છે.