ઇલોલ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારની ઉપસ્થિતિમાં વણકર સમાજના બંધારણનું વિમોચન કરાયુ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઇલોલ ખાતે સત્તાવીસ પરગણા વણકર સમાજ- હિંમતનગર દ્વારા આયોજિત સ્નેહ મિલન - સન્માન સમારંભ કાર્યક્રમ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારે જણાવ્યું હતું કે . ડૉ.બાબાસાહેબ આંબેડકરે સમાજને સંગઠીત બનવા, શિક્ષત બનવા અને સંઘર્ષ કરવા કહ્યુ હતું પરંતુ આજના સમયમાં સમાજના લોકો શિક્ષિત બન્યા છે પરંતુ સંગઠનનો અભાવ જોવા મળી રહ્યો છે. જયાં સુધી સમાજ એકત્ર નહિ થાય ત્યાં સુધી વિકાસ શક્ય નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારતના ઇતિહાસમાં વણકર સમાજનું યોગદાન રહ્યું છે. વણકર સમાજના નિયમન માટે તેનું બંધારણ જરૂરી છે. સત્તાવીસ પરગણા વણકર સમાજે સમયને અનુરૂપ વર્તમાન પ્રવાહને અનુલક્ષીને સમાજના બંધારણનું ઘડતર કરેલ છે.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમાર તેમજ મહાનુભાવોના હસ્તે સત્તાવીસ પરગણા વણકર સમાજના બંધારણનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી કરશનદાસ સોનેરી, પુર્વ ધારાસભ્ય વડગામશ્રી મણીભાઇ જે. વાઘેલા, પૂર્વ સરપંચ ઇલોલ શ્રી અહમદભાઈ ડાભા, વણકર સમાજના વિવિધ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.