ઉત્તર ગુજરાતની અગ્રણ્ય ગણાતી ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસાના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી સામે 15 ડિરેક્ટરોએ બળવો પોકારી દીધો છે. તાજેતરની સાધારણ સભાનો પણ બહિષ્કાર કરી ગોવાભાઈ રબારીનો વિરોધ કર્યોં હતો. જ્યારે ભાજપના મોવડી મંડળે પણ ડિરેક્ટરોને સાંભળ્યા હતા, પરંતુ ડિરેક્ટરોએ વિરોધ કરી ગોવાભાઈને હટાવવાની માંગણી કરી હતી.
મંગળવારે ડીસા માર્કેટયાર્ડ ખાતે આવેલા વેપારી એસોસિએશન હોલમાં ગોવાભાઈ રબારીના સમર્થનમાં રબારી સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી. જેમાં સમાજના યુવા અને વડીલ આગેવાનોએ સમાજના ડિરેક્ટરો સામે નારાજગી દર્શાવી હતી. આ સાથે ધાનેરાના ધારાસભ્ય અને પૂર્વ ચેરમેન માવજી દેસાઈ અને લાખણી માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન બાબુ પાનકુટા સામે રોષ વ્યક્ત કર્યોં હતો. સમાજના આ બન્ને નેતાઓએ સમાજની જ ઘોર ખોદી રહ્યા હોવાના આક્ષેપ પણ કર્યા હતા.
આ બાબતે માર્કેટયાર્ડના પૂર્વ વાઇસ ચેરમેન પરબતભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, 'સમાજના ડિરેક્ટરો જ સમાજનું ઘોર ખોદી રહ્યા છે. ગોવાભાઈ સમાજના સજ્જન વ્યક્તિ છે એમના પર ખોટા આક્ષેપ કરાઈ રહ્યા છે. અગાઉ પણ બન્નેએ સમાજને રવાડે ચડાવી ડીસા તાલુકા સંઘ જે વર્ષોથી રબારી સમાજ હસ્તક હતો. તેને દેવાદાર બનાવી તેઓની અણઆવડતના કારણે સંઘ પણ સમાજ પાસેથી ગયો. હવે માર્કેટ યાર્ડમાં પણ ગોવાભાઈ દેસાઈ પાછળ પડી ગયા છે. અમે સમાજના લોકો આવા સમાજને ગુમરાહ કરનારને ખુલ્લા પાડીશું.'
આ બાબતે ચેરમેન ગોવાભાઇ રબારીએ જણાવ્યું હતું કે, 'બેઠક સમાજની હતી. આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને મદદ કરવાને લઈને હતી. જોકે માર્કેટમાં પણ કેટલાક ડિરેક્ટરો મારો વિરોધ કરે છે. જે બાબતની સ્પષ્ટતા પણ મેં સમાજ આગળ કરી છે. સાથે બાબુભાઈ અને માવજીભાઈ મારો કેમ વિરોધ કરે છે એ સમજાતું નથી. બન્નેને આંગળી પકડીને મેં લાવ્યા એ જ મારા પર ખોટા આક્ષેપ કરે છે. હાલ મોટા ભાગની માર્કેટ યાર્ડમાં ફોર્ચ્યુનર કાર છે, અમે તો ઇનોવા કાર પણ સર્વસંમતિથી ઠરાવ કરીને લાવી છે. જ્યારે શોપિંગ સેન્ટર તોડવાના કામનો પણ સર્વસંમતિથી નિર્ણય લીધો છે. મને ભાજપ પાર્ટીએ મેન્ડેડ આપ્યો અને હું ચેરમેન બન્યો છું. સાથે મારા સમાજના કહેવાથી ભાજપમાં આવ્યો છે. આગળ પણ ભારતીય જનતા પાર્ટીનું મહુડી મંડળ અને મારો સમાજ કહેશે એ હું કરીશ.'