સૂઇગામ તાલુકાના નવાપુરામાં મંગળવારે સાંજના સુમારે આકાશી વીજળી પડતાં બે સગી બહેનોના મોત થયા હતા. બંને બહેનો ખેતરમાં ઘરની આગળ પસાર થઇ રહી હતી. ત્યારે અચાનક વીજળી પડી હતી. બંનેના મૃતદેહ સુઇગામ રેફરલ હોસ્પિટલમાં પીએમ અર્થે લઇ જવાયા હતા. સગી બહેનોના મોતથી સમગ્રપંથકમાં અરેરાટી પ્રસરી ગઇ હતી.મૃતક આરતી અને ખુશી ગામની જ પ્રાથમિક શાળામાં ધોરણ 7 અને 8માં અભ્યાસ કરતી હતી. જેમના મોતથી શાળા પરિવાર સહિત સહપાઠીઓ આઘાતમાં સરી પડ્યા હતા.

બનાસકાંઠા જીલ્લામાં મંગળવારે દિવસભર ગરમી અને ભારે ઉકળાટ બાદ સાંજના સુમારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જ્યાં સુઇગામ વિસ્તારમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યાં વરસાદી વાતાવરણ વચ્ચે નવાપુરા ગામે આકાશી વીજળી પડતાં બે સગી બહેનોના મોત થયા હતા.મામલતદાર નવીનચંદ્ર મારૂએ જણાવ્યું હતુ કે, ખેતરમાં રહેતા દિનેશભાઇ રણછોડભાઇ ઠાકોરની બે પુત્રી આરતી (ઉ.વ. 13) અને ખુશી (ઉ.વ. 12) ઘર આગળ પસાર થતી હતી. ત્યારે અચાનક આકાશમાંથી બંને બહેનો ઉપર વીજળી પડતાં બંને જમીન ઉપર ઢળી પડી હતી.

જ્યાં પરિવારજનો તેમજ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને બંનેને 108 દ્વારા સુઇગામ અને ત્યાંથી વધુ સારવાર માટે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ ઉપરના તબીબે બંને બહેનોને મૃત જાહેર કરી હતી. જ્યાંથી બંનેના મૃતદેહ પીએમ માટે સૂઇગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લવાયા હતા. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સગા સબંધીઓ ત્યાં દોડી આવ્યા હતા.

આ અંગે નવાપુરાના તલાટી ભરતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ગામના દિનેશભાઇ રણછોડભાઇ ઠાકોર તેમની પત્ની, બે દીકરા અને ત્રણ દીકરીઓ સાથે ગામના જ વીરાભાઇ રતનભાઇ પટેલના ખેતરમાં ભાગીયા તરીકે રહે છે. જ્યાં તેમની બંને દીકરીઓ ઘર આગળ પસાર થતી હતી. ત્યારે અચાનક વીજળી પડતાં મોતને ભેટી હતી.