ડીસા તાલુકાના વાસણા, ગોળીયા, જૂનાડીસા, દશાનાવાસ અને લૂણપુર ગામના 100 થી વધુ લોકોએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતુ. જેમાં રેતી ભરીને દોડતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવા માટે જણાવાયું હતું.

ડીસા તાલુકાના જૂનાડીસા-વાસણા રોડ પર રેતી ભરીને દોડતાં વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવેલ હોવા છતાં વાહનો દોડી રહ્યા છે. ત્યારે આ વાહનો બંધશ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.

 જેમાં જણાવાયું હતુ કે, બનાસ નદીમાથી મોટી માત્રામાં રેતીનું ખનન થઇ રહ્યું છે. રેતી ભરીને દોડતાં ડમ્પરો અને ટ્રકોના લીધે ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે. જેને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની રજુઆતના પગલે રેતી ભરેલા ડમ્પરોને નદી સિવાયના માર્ગો પરથી પસાર થવા પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારે આ જાહેરનામું કોઈના દબાણથી રદ્દ કરવામાં ના આવે તેવી પણ માંગણી કરવામાં આવી હતી.

આ અંગે નાયબ કલેકટર નેહા પંચાલે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ કલેક્ટર દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારમાથી રેતી ભરેલા ડમ્પરોને પસાર થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. અને આ પ્રતિબંધ આગામી તા. ૩૧ ઓગસ્ટ સુધી ચાલુ રહેવાની ખાત્રી આપવામાં આવી હતી.