સુપ્રીમ કોર્ટે બુધવારે (10 જુલાઈ, 2024) મુસ્લિમ મહિલાઓને લઈને મોટો નિર્ણય આપ્યો હતો. કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં ફરી સ્પષ્ટ કર્યું છે કે સીઆરપીસીની કલમ 125 હેઠળ મુસ્લિમ મહિલા તેના પતિ પાસેથી ભરણપોષણની માંગ કરી શકે છે. એક મુસ્લિમ વ્યક્તિએ તેની પત્નીને ભરણપોષણ આપવાના તેલંગણા હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. બુધવારે આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે ભરણપોષણ ભથ્થાને લઈને મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. મોહમ્મદ અબ્દુલ સમદ નામના વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બનેલી સુપ્રીમ કોર્ટની બેન્ચે CrPCની કલમ 125 હેઠળ છૂટાછેડા લીધેલી પત્નીને ભરણપોષણ ચૂકવવાના નિર્દેશ સામે મોહમ્મદ અબ્દુલ સમદ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે 'મુસ્લિમ મહિલા (તલાક પર અધિકારોનું સંરક્ષણ) અધિનિયમ 1986' બિનસાંપ્રદાયિક કાયદાને ઓવરરાઇડ કરી શકે નહીં. જસ્ટિસ નાગરત્ના અને જસ્ટિસ મસીહે અલગ અલગ પરંતુ સર્વસંમત ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે મોહમ્મદ સમદને 10,000 રૂપિયાનું ભથ્થું ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.ચુકાદો આપતાં જસ્ટિસ નાગરત્નાએ કહ્યું હતું કે  "અમે એ નિષ્કર્ષ સાથે ફોજદારી અપીલને ફગાવી રહ્યા છીએ કે CrPCની કલમ 125 તમામ મહિલાઓને લાગુ પડે છે અને માત્ર પરિણીત મહિલાઓને જ નહીં."કોર્ટે પોતાના નિર્ણયમાં એમ પણ કહ્યું કે જો સીઆરપીસીની કલમ 125 હેઠળ અરજી પેન્ડિંગ હોવા દરમિયાન સંબંધિત મુસ્લિમ મહિલાના છૂટાછેડા થઈ જાય છે તો તે 'મુસ્લિમ મહિલા (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઓન ડિવોર્સ) એક્ટ 2019'ની મદદ લઈ શકે છે. કોર્ટે કહ્યું કે 'મુસ્લિમ એક્ટ 2019' CrPCની કલમ 125 હેઠળના ઉપાય સિવાયના ઉપાયો પૂરા પાડે છે.