આ વર્ષે લોકોએ રેકોર્ડ બ્રેક ગરમી અનુભવી હતી ત્યારે, નાગરિકોને પણ વૃક્ષનું જીવનમાં કેટલું મહત્વ છે તે સમજાઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 'એક વૃક્ષ મા કે નામ 'અભિયાન શરૂ કરાવ્યું છે. ત્યારે ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઇ માળીએ આજે પોતાનો જન્મદિવસ વિશેષ રીતે ઉજવવાનું નક્કી કરી ગ્રીન ડે તરીકે ઉજવ્યો હતો.

અલગ વિચારીને કંઈક અલગ કામો થકી સમાજ ઉપયોગી કાર્યો કરવા માટે તેઓ પ્રવૃત્ત રહે છે. તેઓએ તેમના જન્મદિવસે ડીસા સર્કિટ હાઉસ ખાતે બપોરે 12-00 થી 3-00 ના સમય દરમિયાન પ્રજાજનોને મળવા માટે શુભેચ્છા મુલાકાતનું આયોજન કર્યું હતું. સાથે જ મુલાકાતે આવનાર પ્રત્યેક મુલાકાતીને ભેટ સ્વરૂપે એક વૃક્ષ અર્પણ કરીને વૃક્ષારોપણ માટે પ્રેરીત કર્યા હતા. જ્યારે અલગ-અલગ જગ્યાઓમાં 15000 જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું હતું.

જેમાં માલગઢ આદર્શ હાઇસ્કૂલ પાસે દલિત સમાજની દીકરીઓના હસ્તે 8000 જેટલા વૃક્ષોનું વાવેતર, ડીસા શહેરના બ્રિજ નીચેના સ્થળે 4000 વૃક્ષો સહિત નાનાજી દેશમુખ બાગમાં પણ વૃક્ષારોપણ કરાયું હતું. જ્યારે શહેરીજનોને પણ વૃક્ષોનું વિતરણ કરાયું હતું. જેમાં સરદાર બાગ આગળ, બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર, બ્રિજ નીચે તેમજ માર્કેટયાર્ડમાં નિ:શુલ્ક મોટા રોપાઓનું વિતરણ કરવાયુ હતું. દરેક નાગરિક ઓછામાં ઓછા એક વૃક્ષનું વાવેતર કરશે તો પ્રકૃતિની મોટી સેવા થઈ શકશે.