ડીસામાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં રથયાત્રા નિમિત્તે સુલેહભર્યું અને કોમી એખલાસભર્યું વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસે બંને કોમના આગેવાનોને અપીલ કરી હતી.
ડીસામાં અષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા રંગેચંગે પૂર્ણ થાય તે માટે ડીસા શહેર દક્ષિણ પોલીસમથકે શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ડીસા ડી.વાય.એસ.પી. સી. એલ. સોલંકી, ડીસા શહેર દક્ષિણ પીઆઇ કે.ડી.દેસાઈ, રથયાત્રાના આયોજક સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા સહિત સેવા સમિતિના સભ્યો, હિન્દુ અને મુસ્લિમ સંગઠનોના હોદ્દેદારો, મુસ્લિમ આગેવાનો, શહેરની સ્વૈચ્છીક અને સેવાભાવી સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ દ્વારા રથયાત્રાનું સુચારું સંચાલન થાય તે માટે વિશેષ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
જ્યારે બંને કોમના લોકોને કોમી એખલાસનું વાતાવરણ જળવાઈ રહે તેવી અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે બેઠકમાં અગ્રણીઓએ શહેરમાં ટ્રાફિક અને રખડતા ઢોરોનો પ્રશ્ન પણ ઉપસ્થિત કર્યો હતો. રથયાત્રા દરમિયાન રખડતા ઢોરોનો ત્રાસ ન રહે તે માટે નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે તેવા સૂચનો પણ અગ્રણીઓએ કર્યા હતા.