સ્વાતંત્ર દિન રાજ્યકક્ષાની ઉજવણી કાર્યક્રમ ખેડા જિલ્લા ખાતે યોજાશે

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતમાં ઉજવાશે સ્વાતંત્ર પર્વ

જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં સ્વાતંત્ર દિનની રાજ્યકક્ષાની ઉજવણીના આયોજન અંતર્ગત બેઠક યોજાઈ

રાજ્યકક્ષાના કાર્યક્રમના સુચારૂ આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ 16 સમિતિઓની રચના કરવામાં આવી

રાજ્યકક્ષાના કાર્યક્રમ અંતર્ગત તમામ વ્યવસ્થાનું આયોજન સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપતા જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ

(અહેવાલ:સંજય ચુનારા ખેડા)

 15 મી ઓગસ્ટ 2024ના રોજ સમગ્ર દેશમાં 78 માં સ્વાતંત્ર દિવસની ઉજવણી ધામધુમથી કરવામાં આવશે. ત્યારે આ વખતે ગુજરાતમાં ખેડા જિલ્લામાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર દિન ઉજવણી કરવામાં આવશે. કુલ ત્રિદિવસીય ઉજવણી હેઠળ ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે એટ હોમ કાર્યક્રમ અને સ્વાતંત્ર દિનની પૂર્વ સંધ્યાએ 14મી ઓગસ્ટના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. 

 સ્વાતંત્ર દિવસની ઉજવણી કાર્યક્રમના સુચારું આયોજન હેતુ જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે એક બેઠક યોજાઈ. જિલ્લામાં 15 મી ઓગસ્ટ 2024ના રાજ્યકક્ષાના કાર્યક્રમના સુચારૂ આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ 16 સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં જિલ્લાના વિવિધ વિભાગોના મુખ્ય અધિકારીઓની અધ્યક્ષતામાં ટેન્ડર, નાણાં, હિસાબ, ખરીદી, ખર્ચ તથા પ્રિન્ટીંગ સમિતિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિતિ, એટ હોમ કાર્યક્રમ સમિતિ, સાંસ્કૃતિક કાર્યક્રમ વ્યવસ્થા સમિતિ, પરેડ તથા ધ્વજવંદન કાર્યક્રમ સમિતિ, રહેઠાણ તથા ભોજન પ્રબંધન સમિતિ, વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહૂર્ત સમિતિ, આમંત્રણ પત્રિકા તથા સ્વાગત સમિતિ, આરોગ્ય સમિતિ, પ્રચાર પ્રસાર સમિતિ, સફાઈ અને સુશોભન સમિતિ, વાહન વ્યવહાર સમિતિ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમિતિ, પાણી સમિતિ, પાર્કિંગ સમિતિ, અને શસ્ત્ર પ્રદર્શન સમિતિ સહિત કુલ 16 સમિતિઓની રચના કરવામાં આવી છે. આ તમામ સમિતિઓની કામગીરીનું સંચાલન અને માર્ગદર્શન જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં મુખ્ય સંકલન સમિતિ હેઠળ કરવામાં આવશે.

 આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવે સ્વાતંત્ર્ય દિન ઉજવણી કાર્યક્રમને ઉત્સાહપૂર્વક અને સુવ્યવસ્થિત રીતે પૂરો પાડવા તમામ વિભાગના અધિકારીઓને પરસ્પર યોગ્ય સંકલનમાં રહી કામગીરી કરવા સૂચન કર્યું હતું. આ બેઠક અંતર્ગત અધિક નિવાસી કલેકટર શ્રી ભરત જોષીએ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને કાર્યક્રમ અંતર્ગત સફાઈ, સ્વચ્છતા, પાર્કિંગ, બેઠક વ્યવસ્થા, મોબાઈલ ટોયલેટ, પીવાના પાણીની વ્યવસ્થા, ફાયર સેફટી, વરસાદી પાણી નિકાલ, આરોગ્ય વિષયક વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર જુદી જુદી સમિતિઓ દ્વારા કરવામાં આવનાર કામગીરીની માહિતી આપી હતી.

 આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ. ડી. વસાવા, જિલ્લા વન સંરક્ષક શ્રી અભિષેક સામરીયા, આસિસ્ટન્ટ કલેકટર અને પ્રાંત અધિકારી શ્રી ખેડા, શ્રી અંચુ વિલસન, ડીઆરડીએ ડાયરેક્ટર શ્રી લલિત પટેલ, નાયબ કલેકટર સ્ટેમ ડ્યુટી શ્રીમતી મનીષા બ્રહ્મભટ્ટ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી કુસુમ પ્રજાપતિ, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ સહિત જિલ્લા વહીવટીતંત્રના તમામ મુખ્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.