ધાનેરા તાલુકાના થાવર ગામમાં સોમવારે રાત્રે શેરડીના રસનો વ્યવસાય કરતા વેપારીની કેરીના રસના પૈસા માંગતા ઘાતકી હત્યા કરાઇ હતી. જો કે, ધાનેરા પોલીસ તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં હત્યા કરનાર ડુગડોલ ગામના શખસને ઝડપી લીધો હતો.

ધાનેરા તાલુકાના થાવર ગામ નજીક નેનાવા નેશનલ હાઇવે પર ડીસામાં રહેતા કિશોરભાઈ મોચી શેરડીનું કોલું ચલાવી પોતાના પરિવારનો નિભાવ કરી રહ્યા હતા. સોમવાર રાત્રે કિશોરભાઈ પોતાના અને થોડા દૂર શેરડીનું કોલું ચલાવતા યુવક મહેશભાઇ માટે જમવાનું લેવા ગયા હતા. દરમિયાન શેરડીના કોલા પર બાઇક લઇને આવેલા શખ્સે કેરીના રસની માંગણી કરતાં મહેશભાઇએ તેને કેરીનો રસ આપ્યો હતો.

આટલામાં કિશોરભાઈ આવી જતાં મહેશભાઈને આ ગ્રાહક બનીને આવેલા શખ્સ પાસે કેરીના રસના પૈસા લઈ લેજો તેમ કહી મહેશભાઇ પોતાના કોલા ઉપર શેરડી સરખી કરવા ગયા હતા. થોડીકવારમાં મહેશભાઇ પરત આવતાં બાઇક લઈને આવેલો શખ્સ કોલા પરથી ભાગી છૂટ્યો હતો.

 મહેશભાઈએ નજીક જઈને જોતા કિશોરભાઇને માથા તેમજ મોંઢાના ભાગે ગંભીર ઇજા હોવાથી લોહી લુહાણ હાલતમાં જમીન પર પડ્યા હતા અને તેઓનું મોત થયું હતું. મૃતકના ભાઈ બંસીલાલ પન્નાલાલ મોચી ડીસાથી દોડી આવી પોતાના ભાઈની હત્યા થઈ હોવાની ફરિયાદ ધાનેરા પોલીસને આપી હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાથે ધાનેરા પોલીસની અલગ-અલગ ટીમો બનાવી ધાનેરા તાલુકાના મોટી ડુગડોલ ગામના પ્રકાશ શિવાભાઈ ઠાકોરને ઝડપી લીધો હતો.