નિકોલમા રહેતા અને કઠવાડા જીઆઈડીસીમાં મોમાઈ ઈન્ડસ્ટ્રી નામથી વુડન અને એલ્યુમીનિયમ ડાય બનાવવાનું કારખાનું ધરાવતા વિશાલકુમાર સુથાર નામના વેપારીને વ્યાજખોરે પૈસાની માંગ કરી ધમકીઓ આપતા તેણે પોલીસની મદદ માંગી છે. ફરિયાદીને 4 વર્ષ પહેલા વુડન એલ્યુમીનિયમ ડાય બનાવવાનાં ધંધા માટે આર્થીક જરૂર પડતા તેઓએ પોતાના મિત્ર ગિરીરાજ ઝાલાના મિત્ર અંકિત દવે જે ફાયનાન્સનું કામ કરતો હોય તેનાં પાસેથી 10 ટકા વ્યાજે 6 લાખ 50 હજાર રૂપિયા લીધા હતા.

વ્યાજે લીધેલા પૈસાની સામે વેપારીએ 3 કોરા ચેક આપ્યા હતા. અને 18 મહિના સુધી વ્યાજ ચુકવી 15/07/2020 ના રોડ 4.50 લાખ અને બાદમાં 29/07/2020ના રોજ 2 લાખ એક વ્યાજે લીધેલી રકમ ચુકવી દીધી હતી.ફરિયાદી વેપારીએ ટુકડે ટુકડે 15 લાખ 46 હજાર રૂપિયા આરોપીઓને ચુકવ્યા હતા. બે વર્ષ સુધી એટલે કે 30 જૂન 2022 સુધી કોઈપણ પ્રકારની પૈસાની લેવડદેવડ કરી નહોતી. છતાં પણ 30 મી જૂનના રોજ ફરિયાદી વિશાલ સુથારનાં ઘરે અચાનક ગિરીરાજ સિંહ પહોંચ્યો હતો. પત્નિએ ફોન કરતા વેપારીએ ગિરીરાજને અત્યાર જતા રહેવા જણાવ્યું હતું.ગિરીરાજ ફરિયાદીના ભાઈના ઘરે પહોંચી પૈસાની માંગ કરી હતી.ફરિયાદી વિશાલ સુથારનાં ભાઈ વિકાસ સુથારે તેમને ફોન કરીને જણાવ્યું હતું કે ગિરીરાજ આપણા ઘરે આવ્યો છે અને તારા ભાઈ વિશાલે મારી પાસેથી જે પૈસા લીધેલા છે જેનો હિસાબ મારે મારા ભાગીદાર અંકિત દવેને આપવાનો હોય હું તેનાં કહેવાથી પૈસા લેવા આવ્યો છું. તમે લોકો મને તથા અંકિતભાઈને ઓળખતા નથી. અમારી પહોંચ ક્યાં સુધી છે. ભાજપનાં તમામ રાજકારણીઓ અમારા ઓળખીતા છે.તમે અમને હેરાન નહીં કરી શકો. જો તમે અમારા વિરુધ્ધમાં કેસ કરશો તો એક બે મહિનામાં નિકાલ કરી નાખીશું. તેવી ધમકી ગિરીરાજ આપી જતો રહ્યો હતો.જોકે જતા જતા ગિરીરાજએ ધમકી આપી હતી કે અમારા પૈસા પરત આપી દેજો નહીંતર સિક્યુરીટી પેટે વિશાલે આપેલા ચેક અલગ અલગ શાખામાં અમદાવાદ અને રાજકોટ ખાતે નાખી બાઉન્સ કરાવી ફરિયાદ કરી કોર્ટનાં ધક્કા ખવડાવીશ. વિશાલ સુથારે આરોપીઓને આપેલા ચેકને સ્ટોપ કરાવી દીધા હતા. જોકે છતાંપણ ગિરીરાજ ઝાલાએ 9 લાખ 30 હજાર રૂપિયાનો ચેક બેંકમાં નાખી બાઉન્સ કરાવ્યો હતો. સતત ગિરીરાજ દ્વારા પરિવારના સભ્યોને ધમકીઓ આપી વ્યાજનું ચક્રવૃધ્ધી વ્યાજ ચઢાવી ખોટી રીતે હેરાન કરી બળજબરીપૂર્વક પૈસા કઢાવવા મજબૂર કરતો હોવાથી નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.