થરાદ પાસેથી પસાર થતાં ભારતમાલા હાઇવે પર મોડી રાત્રે ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ડિવાઇડર સાથે ટકરાયું હતું જેના બાદ ટ્રકમાં આગ લાગી હતી. આગ લાગતાં થરાદ ફાયર-ફાઇટરે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માતમાં ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
બનાસકાંઠા જીલ્લાના સરહદી પંથકમાં આગ અને અકસ્માતના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. સાંચોર હાઇવે પર અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે થરાદ સાંચોર ભારતમાલા હાઇવે પર મોડીરાત્રે ટ્રેલર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રેલરમાં આગ ભભૂકી ઉઠી હતી. થરાદ ફાયર બ્રિગેડને કોલ કરતાં ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ અંગે થરાદ ફાયર ઓફિસર વિરમજી રાઠોડે ટેલિફોનીક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, થરાદ-સાંચોર હાઇવે ભારતમાલા હાઇવે પર માંગરોળ નજીક મોડી રાત્રે ચાર વાગ્યે આગ લાગ્યાનો કોલ આવ્યો હતો. અમે અમારી ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. અમને જણાવા મળ્યું હતું કે, રાત્રે ટ્રેલરચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રેલર ડિવાઇડર સાથે ટકરાયું હતું જેના બાદ આગ લાગી હતી. ગાડીના ચાલકને ઇજાઓ થતાં 108 મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.