પાલનપુર ACB ની ટીમે બે ક્લાસ-2 ખેતીવાડી અધિકારી અને એક વચેટિયાને 20 હજારની લાંચ લેતા ઝડપી પાડતા ચકચાર મચી છે. પાલનપુર નાયબ ખેતી (વિસ્તરણ) કચેરીના 2 ખેતીવાડી અધિકારી દ્વારા ફરિયાદી પાસે લાંચની માગણી કરવામાં આવ્યા બાદ એસીબીએ આજે છટકુ ગોઠવી બંને અધિકારી વતી લાંચ લેતા વચેટિયાને ઝડપી પાડ્યો હતો. એસીબીએ ત્રણેયને ડીટેઈન કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જીલ્લામાં ફરી એક વખત લાંચિયા અધિકારી એસીબીની હાથે રંગેહાથ પૈસા લેતા ઝડપાયા છે. ખેતીવાડી અધિકારી વર્ગ-2 નાયબ નિયામક ખેતી વિસ્તરણ ચંદ્રિકાબેન થુંબડીયા અને ખેતીવાડી અધિકારી વર્ગ-2 નાયબ નિયામક ખેતી વિસ્તરણ રાકેશભાઈ મકવાણાએ ઈકબાલગઢ ખાતે કૃષિ સેવા કેન્દ્ર પર ખાતર સ્ટોકનું ચેકિંગ કરતા સ્ટોકમાં વિસંગતા જણાઈ આવતા ફરિયાદીનું પીઓએસ મશીન તેમજ સ્ટોક રજીસ્ટર કાયદેસર કાર્યવાહી કર્યા સિવાય કબજે કરેલ તેમજ જે પરત લેવા માટે ફરિયાદીને બંને આરોપીઓએ ફરિયાદી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ન કરી મશીન તેમજ સ્ટોક રજીસ્ટર પરત આપવા 20 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

ફરિયાદી લાંચની રકમ બંને અધિકારીઓને આપવાના ન ઈચ્છતા પાલનપુર એસીબી નો સંપર્ક કર્યો હતો પાલનપુર એસીબીએ છટકુ ગોઠવી લાંચના છટકા દરમિયાન આરોપી વચેટિયા હિતેન્દ્રકુમાર મોતીભાઈ ગામી તેમજ બંને અધિકારીઓ ફરિયાદી પાસેથી 20,000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. એસીબીએ ત્રણેયને ડીટેઈન કરી વધુ તપાસ હાથ ધરી છે.