ડીસામાં વિવિધ શાળાઓના યુનિફોર્મ ખરીદવા બાબતે ચાલી રહેલા વિવાદ વચ્ચે સરદાર પટેલ હાઇસ્કૂલમાં આવેદનપત્ર આપવા ગયેલા NSUI ના કાર્યકરોએ આચાર્ય પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ આચાર્ય દ્વારા કરાતા પોલીસે NSUIના કાર્યકરોની અટકાયત કરી હતી.
ડીસામાં શાળાઓ ખુલી ત્યારથી વિદ્યાર્થીઓના યુનિફોર્મ વાલીઓએ ક્યાંથી ખરીદવા તે બાબતને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેમાં એક દુકાનદારે શાળાઓની મંજૂરી વગર શાળાઓના નામના બોર્ડ મારી તેમજ યુનિફોર્મ પર લોગા લગાવી મનફાવે તેવા ભાવથી વેચાણ કરાતા હોવાની રજૂઆતના પગલે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. બીજી તરફ ડીસાની સરદાર પટેલ હાઇસ્કૂલના આચાર્યની ઓડિયો ક્લિપ વાયરલ થતા તે અંગે વિવાદ સર્જાયો હતો.
જેને પગલે આજે NSUIના કાર્યકરો સરદાર પટેલ હાઇસ્કૂલમાં આવેદનપત્ર આપવા ગયા હતા. જેમાં વિદ્યાર્થીઓએ આચાર્ય પર નોટબુકો ફેંકી હતી. જેથી આચાર્ય અને અન્ય શિક્ષકો દ્વારા પોલીસને બોલાવતા તાત્કાલિક ડીસા શહેર દક્ષિણ પોલીસના સ્ટાફે પહોંચી જઈ NSUIના કાર્યકરોની અટકાયત કરી હતી. શાળાના આચાર્ય મુકેશભાઈએ NSUIના કાર્યકરો દ્વારા તેઓ પર હુમલો કરાયો હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે NSUI ના પ્રમુખ હાર્દિક પઢીયારે આવો કોઈ હુમલો કરાયો નથી તેમ જણાવ્યું હતું.