ડીસા તાલુકાના નાની ઘરનાળ ગામે પોતાના ઘર નજીક રમી રહેલી બાળકીને કોબ્રા સાપ કરડતા ગંભીર હાલતમાં ડીસા ખાતે સારવાર માટે લવાઈ હતી. જ્યાં તેની હાલત ગંભીર જણાતા તેને ધારપુર મેડિકલ કોલેજ ખાતે રીફર કરવામાં આવી હતી.
ડીસા તાલુકાના નાની ઘરનાળ ગામે રહેતા સોમાભાઈ સુથારની આઠ વર્ષની દીકરી જાનકી આજે બપોરે તેઓના ઘર નજીક છાયડામાં રમી રહી હતી. ત્યારે અચાનક સાપે દંશ દીધો હતો. જેથી જાનકીએ બુમાબુમ કરતા પરિવારના સભ્યો આવી જતા જોયું તો બાજુમાં કોબ્રા સાપ હતો. જ્યારે જાનકી ધીરે ધીરે મૂર્છિત અવસ્થામાં જઈ રહી હતી.
જેથી સાપને દૂર કરી તાત્કાલિક 108 ઈમરજન્સી વાનને જાણ કરાતા તાત્કાલિક ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર થઈ જવામાં આવી હતી. જોકે, તેની હાલત ગંભીર થતા તેને ડીસા સિવિલમાં લવાયેલા, પરંતુ ડીસા સિવિલ દ્વારા પણ તેને ધારપુર મેડિકલ કોલેજ ખાતે રિફર કરવાનું જણાવતા તેને ગંભીર હાલતમાં ધારપુર લઈ જવાઈ હતી.