પાલનપુર-આબુ હાઇવે ઉપર હનુમાન ટેકરી નજીક મંગળવારે રાત્રે જીવદયાપ્રેમીઓએ બે ટ્રકમાં કતલખાને લઇ જવાતાં 519 બકરાં બચાવ્યા હતા. અને બંને ટ્રકના ચાલકોને પોલીસને સોંપવામાં આવ્યા હતા. જોકે, બે ખલાસીઓ નાસી છુટ્યા હતા. પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પાલનપુર-આબુ હાઇવે ઉપર હનુમાન ટેકરી નજીક જીવદયાપ્રેમીઓ પાલનપુર તાલુકાના ગોઢ (હાથીદ્રા)ના વખતસિંહ દિલીપસિંહ ડાભી, સદરપુરના અરવિંદભાઇ જગમાલભાઇ ચૌધરી, ડીસાના દિનેશભાઇ ઉમાજી ગેલોત, પાલનપુરના આશિક વનરાજભાઇ સાધુએ ટ્રક નં. જીજે. 24. વી. 8648 અને જીજે. 24. વી. 8396 ઉભી રખાવી પશ્વિમ પોલીસ મથકે લઇ ગયા હતા. જ્યાં ટ્રકોની તલાસી લેતાં એક ટ્રકમાંથી 246 તેમજ બીજી ટ્રકમાંથી 273 મળી કુલ 519 બકરા ભરેલા મળી આવ્યા હતા. જે નાસીક એરપોર્ટ ઉપર બહાર કતલખાને લઇ જવાના હતા.

આ અંગે વખતસિંહ ડાભીએ પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે બંને ટ્રકના ચાલક પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના વાઘણાનો આદિલખાન ઉમરખાન પઠાણ અને નસુલ્લાખાન અબ્દુલખાન સિપાહીની અટકાયત કરી હતી. જ્યારે નાસી છુટેલા બે ખલાસીઓ સામે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.