ધાનેરા નજીક રોડ પર પિતા સાથે ઉભેલી બાળકીને ગાડીએ ટક્કર મારતાં તેને સારવાર અર્થે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જ્યાં તેનું મોત નીપજ્યું હતુ.આ અંગે બાળકીના પિતાએ ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત મુજબ, ધાનેરા તાલુકાના સાંકડ ગામના મુકેશભાઈ હંસાભાઈ પ્રજાપતિ અને તેમની 6 વર્ષની દીકરી ક્રિષ્ના બંને શુક્રવારના રોજ ધાનેરા થરાદ હાઇવે પર ખેતરની સામે આવેલ પેટ્રોલ પંપની આગળ રોડની બાજુમાં ઊભા હતા.ત્યારે ધાનેરા તરફથી આવતી ગાડી નંબર જીજે-07-ડીઈ-7886 ના ચાલકે પુરપાટ ઝડપે આવી રોડની બાજુમાં ઊભેલી ક્રિષ્નાબેનને ટક્કર મારી મારતાં તે નીચે પટકાતાં તેને ગંભીર હાલતમાં તે જ ગાડીમાં ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી.જ્યાં સારવાર દરમિયાન ક્રિષ્નાબેનનું મોત નિપજ્યું હતું.
આ અંગે મુકેશભાઈ પ્રજાપતિએ ગાડીના ચાલક તાહિરખાન લિયાકતખાન પઠાણ (રહે રતનપુર તા. માતર, જી. ખેડા) વિરુદ્ધ ધાનેરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.