મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ 73મા વન મહોત્સવ ઉજવણી પ્રસંગે સુરેન્દ્રનગર ખાતે પધાર્યા હતા. વટેશ્વર વનનાં લોકાર્પણ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીશ્રીએ સુરેન્દ્રનગર જિલ્લાના સરપંચશ્રીઓ સાથે સામાન્ય જનની જેમ ભોજન લેતા ટિફિન બેઠક યોજી હતી. મહિલા સરપંચશ્રીઓનાં ઘરે તૈયાર કરેલું ભોજન લઈ મુખ્યમંત્રીશ્રીએ વિનમ્રતા અને સાદગીપણાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું. બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ જિલ્લાનાં 200થી વધુ સરપંચશ્રીઓ સાથે સંવાદ કરતા સરકારની કલ્યાણકારી યોજનાઓનાં અસરકારક અમલીકરણ અંગે ચર્ચા કરી હતી તેમજ ગામડામાં દરેક લોકોને મહત્તમ સુવિધાઓ અને સરકારી યોજનાઓનાં લાભ સરળતાથી મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વધુમાં મુખ્યમંત્રીશ્રીએ 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં યોજાઈ રહેલા ‘હર ઘર તિરંગા અભિયાનમાં’ મહત્તમ લોકો સહભાગી થાય, દરેક પરિવાર ઘરે તિરંગો ફરકાવે અને એ રીતે આઝાદીનાં 75 વર્ષની અનેરી ઉજવણી થાય તે દિશામાં કામગીરી કરવા સરપંચશ્રીઓને જણાવ્યું હતું. આ તકે કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુજપરા, વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા અને રાજ્યમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ અને પરસોત્તમભાઈ સાબરીયા તેમજ અગ્રણી સર્વશ્રી જગદીશભાઈ મકવાણા, આઈ.કે.જાડેજા, શંકરભાઈ વેગડ, જયેશભાઈ પટેલ, વર્ષાબેન દોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.