ડીસા-ધાનેરા હાઇવે પર ટ્રેલરે ટક્કર મારતા લગ્ન પ્રસંગ પતાવી પરત ઘરે આવી રહેલા સામઢીના આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજા યુવકને ગંભીર ઈજા થઈ હતી.
અકસ્માતની વિગત એવી છે કે, પાલનપુર તાલુકાના સામઢી નાઢાણીવાસ ખાતે રહેતા પ્રકાશસિંહ હિંમતસિંહ સોલંકી ઉંમર વર્ષ 19 અને ધરમસિંહ દેવચંદજી વાઘણીયા ઉંમર વર્ષ 32 બંને જણા ઝેરડા સબંધીને ત્યાં લગ્નમાં ગયા હતા. ત્યારબાદ લગ્ન પ્રસંગ પતાવી ગઈ રાત્રે તેઓ પરત પોતાના ગામ જતા હતા.
ત્યારે ધાનેરા હાઇવે પર પાછળથી આવતા ટ્રેલરે બાઈકને ટક્કર મારી હતી. જેમાં બંને જણા નીચે પટકાતા પ્રકાશસિંહનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ધરમસિંગને પણ ઇજાઓ થતા તેમને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.
જ્યારે ડીસા તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી હતી. પોલીસે ફરાર થયેલા ટ્રક ચાલકની તપાસ હાથ ધરી હતી. મરણ જનાર પ્રકાશસિંહ ગામમાં બહોળુ મિત્ર વર્તુળ ધરાવતો અને ગામનો આશાસ્પદ યુવક હોવાથી તેના મોતથી સમગ્ર ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે.