કાંકરેજ તાલુકાના શિહોરીથી થરા નેશનલ હાઇવે ઉપર ત્રણ દિવસથી સતત અકસ્માત થઇ રહ્યા છે. ત્યારે શનિવારે કાંકરેજના ડુંગરાસણ પાસે ટ્રક ચાલકે ઉભેલી બાઇકને પાછળથી ટક્કર મારતાં કિશોરનું મોત, એક યુવકને ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
કાંકરેજ તાલુકાના વડા ગામના ગામનો એક યુવક અને એક કિશોર કુવારવા યજ્ઞમાં જઈ રહ્યા હતા. આ બન્ને જણા શિહોરી થરા નેશનલ હાઇવે ઉપર ડુંગરાસણ ગામ પાસે રોડની સાઈડમાં પોતાનું બાઈક લઇને સાઈડમાં ઉભા હતા. ત્યારે પાછળ થરાથી શિહોરી તરફ જઈ રહેલ ટ્રક નંબર જીજે-09-ઝેડ-1317 ના ડ્રાયવરે ગફલતભર્યું ડ્રાયવિંગ કરી સાઈડમાં ઉભેલા બાઈકને ટક્કર મારતાં બાઇક સવારો અને બાઈક હવામાં ફંગોળાયા હતા.
જેમાં આર્યનભાઈ મોતીભાઈ દેસાઈ (ઉં.વ.11, રહે વડા,તા.કાંકરેજ) નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અમરતભાઈ પચાભાઈ દેસાઈ (ઉં.વ.36,રહે વડા,તા.કાંકરેજ) ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ થતાં લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા અને તાત્કાલિક શિહોરી રેફરલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.
લાશને પી.એમ. માટે શિહોરી રેફરલમાં લઇ જવામાં આવી હતી. ત્યારે પોલીસને અકસ્માતની જાણ થતાં શિહોરી પોલીસ ઘટનાસ્થળે આવી આગળની કાર્યવાહી કરી હતી. જ્યારે અકસ્માતની જાણ થતાં વડા ગામેથી પરિવાર દોડી આવ્યો હતો અને કિશોરનું અકસ્માતમાં મોત નિપજતા પરિવારમાં શોક છવાઈ ગયો હતો.