વર્ષ 2022માં તપાસમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા 151 પોલીસ કર્મચારીઓને કેન્દ્રીય ગૃહમંત્રીના મેડલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના 6 પોલીસ અધિકારીઓને આ મેડલ મળશે. આ ઉપરાંત 151 પોલીસકર્મીઓ માટે મેડલની જાહેરાત કરવામાં આવી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર દર વર્ષની જેમ આ વર્ષે પણ તપાસમાં શ્રેષ્ઠ કામગીરી બદલ દેશના પોલીસકર્મીઓને કેન્દ્રીય ગૃહમંત્રી મેડલ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ મેડલ ગુજરાતના 6 સહિત 151 પોલીસકર્મીઓમાંથી પોલીસ અને તપાસ એજન્સીઓ સાથે જોડાયેલા લોકોને આપવામાં આવશે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન એવોર્ડ મેળવનાર પોલીસકર્મીઓમાં તપાસ એજન્સી સીબીઆઈના 15, મહારાષ્ટ્ર પોલીસના 11, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ પોલીસના 10, કેરળ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ પોલીસના આઠ-આઠ પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. તપાસ એજન્સી NIA અને NCBમાંથી 5-5 ઉપરાંત દિલ્હી પોલીસના 6 પોલીસકર્મીઓ સામેલ છે. બાકીના પોલીસકર્મીઓ અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના છે. આ વખતે કેન્દ્રીય ગૃહમંત્રી મેડલથી સન્માનિત પોલીસકર્મીઓમાં 28 મહિલા પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. ગુજરાતના 6 પોલીસ અધિકારીઓમાં અભય ચુડાસમા, આઈજીપી, ગિરીશકુમાર લક્ષ્મણભાઈ સિંઘલ, આઈજીપી, ઉષા બચુભાઈ રાડા, ડેપ્યુટી સીપી, સાગર બાગમાર, ડેપ્યુટી સીપી, રાજેન્દ્રસિંહ રણજીતસિંહ સરવૈયા, એસીપી, ભૂપેન્દ્ર નટવરલાલ દવે, એસીપી ગુજરાતનો સમાવેશ થાય છે.