હાલ પેટ્રોલમાં બેફામ ભાવ વધતા લોકો હવે ઇલેક્ટ્રીક વાહનો તરફ વળ્યા છે પણ હવે આવા ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ બનતા લોકો મુંઝવણ અનુભવી રહયા છે કે વાહનની સલામતી કેટલી ? જોકે હવે સરકાર જાગી છે અને આવી કંપનીઓ સામે લાલ આંખ કરી જવાબ માંગ્યો છે.
ભૂતકાળમાં જે કંપનીના ઇલેક્ટ્રીક સ્કૂટર સહિતના વાહનો સળગી ઉઠ્યા હતા તેવા તમામ ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદકોને સરકારે કારણ દર્શક નોટિસ જારી કરી છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ લોકસભામાં આ માહિતી આપતા જણાવ્યું કે તમામ સંબંધિત EV ઉત્પાદકોને નોટિસનો જવાબ આપવા અથવા કાર્યવાહીનો સામનો કરવા નોટિસ પાઠવવામાં આવી છે.
નોટિસમાં EV ઉત્પાદકો પાસેથી જવાબ માંગવામાં આવશે કે શા માટે તેઓને બેટરીના ઉત્પાદનમાં ખામી રહી ગઈ છે, સંતોષકારક જવાબો નહિ લાગેતો જવાબદાર ગણાતા EV ઉત્પાદકો સામે કેન્દ્ર કાર્યવાહી કરશે. આગની ઘટનાઓની તપાસ કરનારી પેનલે ઈલેક્ટ્રિક વાહનો અને બેટરીઓ માટે સલામતીના ધોરણો પણ સૂચવ્યા હતા તેનું પાલન થયું છે કે કેમ તે અંગે પણ તપાસ થશે.
ગડકરીએ કહ્યું કે EV ઉત્પાદકોને મોટર વ્હીકલ એક્ટ હેઠળ દંડનો સામનો કરવો પડી શકે છે.
તેમણે કહ્યું, “મંત્રાલયે સંબંધિત ટુ વ્હીલર ઇલેક્ટ્રિક સ્કૂટર ઉત્પાદકોના સીઈઓ અને એમડીને નોટિસ પાઠવી છે.
અગાઉ, કેન્દ્રએ આગની ઘટનાઓના સંજોગોની તપાસ કરવા માટે સેન્ટર ફોર ફાયર એક્સપ્લોઝિવ એન્ડ એન્વાયરમેન્ટ સેફ્ટી (CFEES) ને નિયુક્ત કર્યા હતા. સેન્ટર ફોર ફાયર એક્સપ્લોઝિવ એન્ડ એન્વાયર્નમેન્ટ સેફ્ટી (CFEES) DRDO લેબના SAM (સિસ્ટમ્સ એનાલિસિસ એન્ડ મોડેલિંગ) ક્લસ્ટર હેઠળ આવે છે.આ બધાની શરૂઆત આ વર્ષની શરૂઆતમાં પૂણેમાં ઓલા ઈલેક્ટ્રીક S1 પ્રો સ્કૂટરને આગ લાગવાના વીડિયોથી થઈ હતી.
બાદમાં દેશના જુદા જુદા ભાગોમાંથી વધુ ઘટનાઓ બની જેમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે. સુરક્ષાનો સવાલ ઉભો થતા ઘણા EV ઉત્પાદકોને તેમના ઉત્પાદનો પરત ખેંચી લીધા હતા. EV આગની ઘટનાઓ બાદ, ઓકિનાવાએ એપ્રિલમાં 3,215 વાહનો, Pure EVએ 2,000 અને ઓલા ઈલેક્ટ્રિકે 1,441 વાહનો પાછા ખેંચી લીધા હતા.
જોકે હવે જવાબદાર ઇલેક્ટ્રિક વાહનો બનાવતી કંપનીઓ સામે પગલાં ભરવા સરકાર સજ્જ બની છે.
હાલમાં ભારતમાં પેટ્રોલના ભાવો વધી જતાં 13 લાખથી વધુ ઈલેક્ટ્રિક વાહનોની નોંધણી થઈ ચુકી છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી અને મહારાષ્ટ્ર એ ટોચના ત્રણ રાજ્યો છે જ્યાં રસ્તા પર સૌથી વધુ EVs વાહનો દોડી રહયા છે.