ડીસા તાલુકાના વિઠોદરમાં માતાજીનું મંદિર તેમજ ઘરથારની જમીનના મુદ્દે બે પરિવારો વચ્ચે કુહાડી, લાકડી તેમજ પથ્થરમારો કરવામાં આવતાં અફરા-તફરી મચી જવા પામી હતી. આ અંગે બંને પક્ષોએ સામસામે 14 વ્યકિતઓ વિરૂધ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ડીસા તાલુકાના વિઠોદરમાં કમલેશભાઇ જીવરાજભાઇ રબારીના સંયુકત ઘરથારમાં માતાજીના મંદિરો આવેલા છે. જ્યાં 30 ઘરોના પરિવારો પુજા કરતા હતા. જોકે, છ માસથી તેમના કાકા જીવાભાઇએ મંદિરોને તાળા મારી દીધા છે. દરમિયાન મંદિરમાં રમેળનો પ્રસંગ કરવાનો હોઇ બાજુના પ્લોટમાં તેઓ પરિવાર સાથે સફાઇ કરી ઘરે જતા હતા. ત્યારે જીવાભાઇ રૂપાભાઇ રબારી, કલ્યાણભાઇ જીવાભાઇ રબારી, બાબુભાઇ જીવાભાઇ રબારી, અમરતભાઇ જીવાભાઇ રબારી, લક્ષ્મીબેન જીવાભાઇ રબારી અને સંગીતાબેન જીવાભાઇ રબારીએ લાકડી, કુહાડી તેમજ પથ્થરમારો કરી ઇજાઓ પહોચાડી હતી. આ અંગે કમલેશભાઇએ ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે કલ્યાણભાઇ જીવાભાઇ રબારીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, તમે કેમ ઘરથારની જમીન બાબતે કોર્ટમાં દાવો કર્યો છે તેમ કહી જીવરાજભાઇ રૂપાભાઇ રબારી, કમલેશભાઇ રૂપાભાઇ રબારી, ભરતભાઇ જીવરાજભાઇ રબારી, મગનભાઇ ચેલાભાઇ રબારી, નારણભાઇ ચેલાભાઇ રબારી, બીજોલભાઇ ચેલાભાઇ રબારી, માવજીભાઇ હમીરભાઇ રબારી અને જામાભાઇ દેવજીભાઇ રબારીએ હુમલો કરી ઇજા પહોચાડી હતી. પોલીસે બંને પક્ષોના 14 વ્યકિતઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.