તિરંગા યાત્રા દરમ્યાન દેશભક્તિના રંગે રંગાયું પાટણ

તિરંગા યાત્રા દરમ્યાન "જય હિંદ અને ભારત માતા કી જય" ના જયઘોષ થી ગુંજયું પાટણ

જિલ્લામાં આજે વહીવટી તંત્રના નેજા હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા. દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. જે કાર્યક્રમને સફળ બનાવવા આજે પાટણ શહેરમાં તિરંગા યાત્રા યોજાઇ હતી. આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં પાટણના નાગરિકો રાષ્ટ્રીય ધ્વજ સાથે 2 કિલોમીટર સુધી પદયાત્રા કરી તિરંગા યાત્રાને સફળ બનાવી હતી. પાટણ ની એમ એન હાઈસ્કૂલ થી નીકળેલી તિરંગા યાત્રા રેલવે સ્ટેશન રાષ્ટ્રગીત નું ગાન કરી પૂર્ણ થઈ હતી.

હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત પાટણમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે તિરંગા યાત્રા આજે દેશભક્તિના માહોલ વચ્ચે પાટણના મુખ્ય શહેરો પર ફરી હતી. પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત યાત્રામાં પાટણની સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ પાટણના નાગરિકો સહિત હજારોની જનમેદની તિરંગા યાત્રામાં જોડાઈ હતી. જિલ્લા કલેકટરશ્રી સુપ્રીતસિંહ ગુલાટી દ્વારા આ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરશ્રી સુપ્રીતસિંહ ગુલાટી સાથે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ આ તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં સ્થાનિક લોકો સાથે કલેકટરશ્રી તેમજ પદાધિકારીશ્રીઓએ પદયાત્રા કરી તિરંગા યાત્રામાં સહભાગી બન્યા હતા.

પાટણની એમ એન હાઈસ્કૂલ થી શરૂ થયેલી આ તિરંગા યાત્રામાં પાટણની સ્વૈચ્છિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ તેમજ હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા. તિરંગા યાત્રા દરમિયાન લોકગાયક વિજય સુવાળા તેમજ ગીતકાર મનુ રબારી પણ તિરંગા યાત્રામાં સહભાગી બન્યા હતા. તિરંગા યાત્રા દરમિયાન ડીજેના તાલે વાગતા રાષ્ટ્ર ભક્તિના ગીતો અને લોકગાયક વિજય સુવાળા દ્વારા પ્રસ્તુત કરાયેલા ગીતોના કારણે તિરંગા યાત્રાના પથ પર દેશભક્તિના રંગે રંગાયો હતો. એમ એન હાઇસ્કુલ થી નીકળેલી આ તિરંગા યાત્રા રંગીલા હનુમાન ત્રણ દરવાજા હિંગળાજ ચાર ચાર સર્કલ થઈ બગવાડા પહોંચી હતી. જે બાદ રેલવે સ્ટેશન પર લહેરાતા તિરંગાની આસપાસ તિરંગા યાત્રામાં જોડાયેલા લોકો શિસ્તબદ્ધ રીતે ગોઠવાઇ રાષ્ટ્રીય ગીતનું ગાન કરી તિરંગા યાત્રાની પુર્ણાહુતિ કરવામાં આવી હતી.

પાટણ શહેરમાં નીકળેલી આ તિરંગા યાત્રામાં પાટણના સાંસદશ્રી ભરતસિંહ ડાભી, જિલ્લા કલેકટરશ્રી સુપ્રીતસિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી એમ સોલંકી, જિલ્લા પોલીસ વડાશ્રી વિજય પટેલ, નિવાસી અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડ, ભાજપ પૂર્વ મહામંત્રી કે સી પટેલ તેમજ રાજકીય પક્ષના આગેવાનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાઈ તિરંગા યાત્રાને ભવ્યાતિ ભવ્ય બનાવી હતી.