મોઢે આવેલો કોળીયો છીનવાઈ જવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે ....

થરાદ પંથકના ગામડાઓમાં બાજરીના ડૂંડાઓમાં જીવાતનો ઉપદ્રવ

કાતરા (ઈયળ) આવતાં ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે

ખાસ કરીને કેનાલ પટ્ટામાં આવતાં ગામડાઓમાં કાતરા (ઈયળ) નો ઉપદ્રવ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે

થરાદ પંથકમાં એરંડાના પાક બાદ કાપણીના આરે આવીને ઉભેલી બાજરીના ડૂંડાઓમાં જીવાતનો ઉપદ્રવ વધતાં ખેડૂતો માથે આભ ફાટ્યું હોય એવી પરિસ્થિતિ ઉભી થઈ છે. આ વર્ષે સતત કુદરતી આફતો આવતાં ખેડૂત વર્ગ ચિંતા માં મુકાયો છે. જેમાં થરાદ પંથકમાં ખાસ કરીને ખેડુતો ઉનાળામાં બાજરીનું વાવેતર વધારે કરે છે. ત્યારે બાજરીના પાકમાં ડુડાઓ ઉપર કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધતો જોવા મળ્યો હતો. જેમાં થરાદ તાલુકાનાં સવપુરા, લોરવાડા અને ડોડગામ જેવા અનેક ગામોના ખેડુતોનો પાક કાપણી ના આરે આવીને ઉભો છે ત્યારે ઉભેલી બાજરીના ડુડાઓમાં જીવાતનો ઉપદ્રવ વધી જતાં આખરે ખેડુતો દવાનો છંટકાવ કરવા પણ મજબુર બન્યા હતાં. ત્યારે સવપુરા ગામના ખેડૂત મલાભાઇ પટેલ સાથે ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે આ વખતે અમે સતત કુદરત સામે લાચાર બની ગયાં છીએ. પહેલાં વાવાઝોડું આવ્યું જેના બાદ કમોસમી વરસાદ અને રવિ સિઝનમાં રાયડા ના પાકમાં મેલો આવતાં ભારે નુકસાન થયું હતું. જેના બાદ એરંડાના પાકમાં કાતરા જીવાત આવતાં એરંડાના ઉત્પાદનમાં પણ ઘટાડો થયો હતો અને નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. જેના બાદ હવે બાજરીના પાકમાં કાતરા જીવાત આવતાં પચાસ ટકા જેટલું નુકસાન થવા પામ્યું છે. વધુમાં જણાવ્યુ હતુ કે અમારા કેનાલ પટ્ટાના વિસ્તારમાં ઘણી જગ્યાએ ખેડૂતોના બાજરીના પાકમાં કાતરા આવી ગયા છે.દવાનો છંટકાવ કરવા છતાં કાતરા (ઈયળ) જીવાતનો ઉપદ્રવ નષ્ટ થતો નથી અને બાજરીના આવતા દાણા ખાઈ જવાથી ભારે નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. કુદરતના કોપ સામે સરહદી પંથકના ખેડૂતો લાચાર બની ગયા છે.ખેતીવાડી વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ગંભીરતા પૂર્વક નોંધ લઈ બચી ગયેલા પાકને કઈક ઉપાય કરે એવી માંગ ઉઠવા પામી છે.

અહેવાલ.ધર્મેશ જોષી થરાદ/ બનાસકાંઠા