પાવીજેતપુર નજીક ભારજ પુલ પાસે ડાયવર્ઝન શરૂ થઈ જતાં ભારદારી વાહન ચાલકોમાં આણંદ

         પાવીજેતપુર નજીક ભારજ પુલ પાસે ડાયવર્ઝનની કામગીરી પુર ઝડપથી કરી, ડાયવર્ઝન ચાલુ થઈ જવાથી જનતામાં આનંદની લાગણી જનતામાં તેમજ ભારદારી વાહન ચાલકોમાં જોવા મળી રહી છે.

           ગત વર્ષે જુલાઈ માસના અંતમાં ભારજ નદી ઉપરનો પુલ બેસી જતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે જનતાને ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વારંવાર ની રજૂઆતના અંતે રોડ અને રેલવેના પુલ વચ્ચે ૨.૩૪ કરોડના ખર્ચે ડાયવર્ઝન ની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. બંને બાજુના રોડ ઉપર ડામરીંગની કામગીરી કરી, રેલીંગ લગાવી, તેમજ સફેદ પટ્ટા પાડી પૂર ઝડપે ડાયવર્ઝન તૈયાર કરી દેવામાં આવ્યું છે. ડાયવર્ઝનની કામગીરી પૂર્ણ થઈ જતાં, ડાયવર્ઝન જનતા માટે આધિકૃત રીતે ખુલ્લું મુકવામાં આવતા ભારદારી વાહનોના ચાલકો તેમજ જનતામાં આનંદની લાગણી જોવા મળી રહી છે. 

         હવે વન કુટીર, રંગલી ચોકડી થઈ આપેલા ખખડધજ થઈ ગયેલા ડાયવર્ઝન ના ત્રાસથી વાહન ચાલકોનો છુટકારો થવા પામ્યો છે. જેના કારણે પચીસ થી ત્રીસ કિલોમીટરનો ફેરો ફરવાનો મોટા વાહનોને વારો આવતો હતો તે નદીના પટમાં બનેલા ડાયવર્ઝન થી રાહત જોવા મળી રહી છે. 

            નદી નો પટ ખૂબ મોટો હોય અને તેમાં રેતી ખનન મોટા પ્રમાણમાં થયું હોવાના કારણે પાણીનું વહન એક પટ્ટામાં થઈ ગયું છે. જ્યાં ૧૧ જેટલી પાઇપો ની લાઈન નીચેની હરોળમાં તેમજ ૮ જેટલી પાઇપોની લાઇન ઉપરની હરોળમાં રાખી પાઇપોની બે લાઈનો પાડી છલ્યા જેવું બનાવી દેવામાં આવ્યું છે. જેના કારણે થોડું ઘણું પાણી આવશે તો આ ડાયવર્ઝન ચાલુ રહી શકશે. આ ડાયવર્ઝન અધિકૃત રીતે ચાલુ થઈ જતા જનતામાં આનંદની લાગણી જોવા મળી રહી છે. 

           આમ, ૨.૩૪ કરોડના ખર્ચે બનેલ ડાયવર્ઝન જનતા માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થનાર છે. નદીના પટમાં બનેલા આ ડાયવર્ઝન થી સમગ્ર છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્ય પ્રદેશ સુધીના ભારદારી વાહન ચાલકોમાં તેમજ જનતામાં આનંદની લાગણી જોવા મળી રહે છે.