ડીસાની સોસાયટીના યુવક-યુવતી આઠ મહિના અગાઉ ઘરેથી ભાગી ગયા હતા. જેનું મનદુઃખ રાખી આશાપુરા સોસાયટી ભાગ-2 માં રહેતા યુવકનું મજાદરના શખ્સો રવિવારે ડીસાથી અપહરણ કર્યું હતું. યુવકના કાકાનાં દીકરાનું અપહરણ કરી ફોન કરી કહ્યું હતું કે, યુવતી આપી જાઓ અને યુવક લઈ જાઓની ધમકી અપાતાં ફરિયાદ નોંધાઇ હતી.
ડીસામાંથી પ્રેમી-પંખીડા આઠ માસ અગાઉ ઘરેથી ભાગી ગયા હતા. પછી સમાજના લોકો ભેગા થતાં સમાધાન થઈ ગયું હતું અને યુવતીને તેના પિતાને સોંપવામાં આવી હતી. જે અંગેનું મનદુ:ખ રાખી યુવતીના ભગાડી જનાર યુવકના પિતરાઇ કિરણભાઈને ડીસા રાજમંદિર આગળથી રવિવારે સવારે 11-00 કલાક આસપાસ મજાદર ગામના જયંતીભાઈ ઈકો ગાડીમાં ઉપાડી ગયા હતા. જેથી યુવક કિરણભાઈએ તેના કાકા પ્રવીણભાઈ ઉકાભાઇને ફોન કરીને જણાવ્યું હતું કે, મને ઉપાડી મજાદર લઈ ગયા છે તમે અહીં આવો. આ જયંતિભાઈ સાથે મને ઉપાડી લઈ જવામાં તેના ભાઈ પરબતભાઈ નાથાભાઈ, તેમનો દીકરો વિપુલભાઈ પરબતભાઈ તથા વિષ્ણુભાઈ જયંતિભાઈ છે.
આરોપીઓએ બપોરે પ્રવીણભાઈના મોબાઈલ પર ફોન કરીને કહ્યું કે, તારો દીકરો જે દીકરીને ઉપાડી ગયો છે તે દીકરી ભાગી ગઈ છે. તેને તારો દીકરો જ લઈ ગયો છે. એટલે અમે તારા ભત્રીજાને ઉપાડ્યો છે. હવે તારા ભત્રીજા કિરણને લઈ જવો હોય તો જલ્દીથી મજાદર આવી જાઓ અને અમારી દીકરી આપી જાઓ. તમારા ભત્રીજાને લઈ જાઓ નહીં તો ગમે તે થઈ શકે એટલે જલ્દી આવી જાઓ તેમ કહી ધમકી આપી હતી.
જેથી યુવકના કાકા પ્રવીણભાઈ ઉકાભાઇએ જયંતીભાઈ નાથાભાઈ, પરબતભાઈ નાથાભાઈ, વિપુલભાઈ પરબતભાઈ અને વિષ્ણુભાઈ જયંતીભાઈ (તમામ રહે.મજાદર, તા.વડગામ) વિરુધ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.