સિદ્ધપુરમાં મેથાણથી મૂડવાડા હાઇવે ઉપર શુક્રવારે છકડો રિક્ષા અને કાર સામસામે અથડાતાં રિક્ષામાં સવાર દંપતી અને ભાણેજને ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન દંપતીનું મોત થયું હતું. ભાણેજને સારવાર હેઠળ ખસેડાયો હતો. લોકોએ ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા બાદ બંને વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી.
સિદ્ધપુરના ખાડિયાસણના વતની પટણી કાંતિભાઈ ઉ.વ.65 અને તેમની પત્ની ગંજીબેન ઉ.વ.60 અને ભાણેજ મેહુલ ઉ.વ.20 છકડો રિક્ષા લઇ ડીસા ખાતે શાકભાજી અને શકરટેટી લેવા માટે નીકળ્યા હતા. મેથાણ અને મૂડવાડા હાઇવે પર રિક્ષા અને સામેથી આવી રહેલ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. કારમાં સવાર બે શખ્સો ઘટના સ્થળેથી ભાગી છુટ્યા હતા.
પરંતુ છકડો રિક્ષામાં સવાર દંપતી અને ભાણેજ અને ગંભીર ઇજાઓ થવા પામી હતી. એકત્ર થયેલા લોકોએ ઇજાગ્રસ્તોને બહાર કાઢી 108 ને જાણ કરી હતી. જંગરાલ અને સિદ્ધપુર 108 ઘટના સ્થળે દોડી આવી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા. સારવાર દરમિયાન કાંતિભાઈ અને ગંજીબેનનું મોત થયું હતું. પોલીસ સ્થળ ઉપર દોડી આવી તપાસનો દોર શરૂ કર્યો હતો.