ડીસા નેશનલ હાઈવે પર બનાસ નદીના પુલ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા ચાર વ્યક્તિઓને ગંભીર ઈજા થવા પામી હતી. જેમાં થરાના ઠક્કર પરિવારની મહિલા તેમજ તેના બે સંતાનોને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ડીસા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી સતત અકસ્માતોના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ડીસા નેશનલ હાઇવે પર બનાસ નદીના પુલ પાસે રિલાયન્સ પેટ્રોલ પંપની સામે મારુતિ અલ્ટો કાર અને વરના કાર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ હતી.
ઇજાગ્રસ્તોમાં અંશુભાઈ ગૌરવભાઈ ઠક્કર રહે. થરા, નવીનભાઈ બચુભાઈ પ્રજાપતિ રહે. થરા, રીંકલબેન ગૌરવભાઈ ઠક્કર રહે. થરા,નેન્સી ગૌરવભાઈ ઠક્કર રહે.થરાને ગંભીર ઇજા થતાં 108 ઈમરજન્સી વાન દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર વખતે ખસેડાયા હતા.
જોકે, વધુ ઈજા પહોંચેલા તમામને ડીસાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસે બંને વાહનોને તાત્કાલિક સ્થળ પરથી સાઈડમાં કરી દીધા હતા.