ડીસા-પાલનપુર હાઇવે પર મોડી રાત્રે રોડ પર બેઠેલા પશુઓ પર ટ્રક ફરી વળી હોવાની ઘટના સર્જાઇ છે. આ અકસ્માતમાં ચાર ગાયોના મોત નીપજ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક ગાયને સારવાર માટે ટેટોડા ગૌશાળા ખાતે ખસેડી હતી.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની ઘટનાઓમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જેમાં ગત રાત્રે પણ ડીસા-પાલનપુર હાઇવે પર રોડ પર બેઠેલા પાંચ પશુઓ પર અજાણી ટ્રક ફરી વળતા અકસ્માત થયો છે. ડીસાના રસાણા પાસે હાઇવે પર રાત્રે અઢી થી ત્રણ વાગ્યાના સુમારે પાંચ જેટલી ગાયો રોડ પર બેઠી હતી.
તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ અજાણ્યા ટ્રક ચાલકને પશુઓ ન દેખાતા ટ્રક ગાયો પર ફરી વળી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે ટ્રક નીચે કચડાઇ જતા ચાર ગાયોના ઘટના સ્થળે કરુણ મોત થયા હતા. જ્યારે એક ગાયને ગંભીર ઈજા પહોંચી હતી.
આ ઘટનાની જાણ થતા જ જય જલીયાણ ગૌશાળાના મકસી રબારી સહિતની ટીમ તેમજ નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ પણ તરત જ અકસ્માત સ્થળે પહોંચી હતી અને આ બંને ટીમોએ ઇજાગ્રસ્ત ગાયને ટેટોડા ગૌશાળા ખાતે ખસેડી હતી. જ્યારે રોડ પર પડેલી મૃતગાયના કારણે અન્ય કોઈ અકસ્માત ન સજાય તે માટે મૃત પામેલી ગાયોને રોડ પરથી સાઈડમાં ખસેડી હતી.