ડીસાના વાડી રોડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અસામાજીક તત્વોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિકોની રજૂઆતને પગલે શહેર ઉત્તર પોલીસ સક્રિય બની હતી અને વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા ત્રણ શખ્સોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

લોકસભાની ચૂંટણીને લઈને આચારસંહિતા અમલમાં આવતા જ બનાસકાંઠા જીલ્લા પોલીસે છેલ્લા ઘણા સમયથી નાસતા-ફરતા આરોપીઓ અને અસામાજીક તત્વો સામે તડી બોલાવી છે. તેમ છતાં પણ કેટલાક વિસ્તારોમાં હજુ પણ આવા તત્વો સુધરવાનું નામ જ લેતા નથી. ડીસા શહેરમાં આવેલા વાડીરોડ વિસ્તારમાં પણ છેલ્લા ઘણા સમયથી અસામાજીક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે.

આ વિસ્તારમાં વારંવાર થતી ચોરી અને રોડ પર અસામાજીક તત્વોના રંજાડથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. આખરે કંટાળેલા લોકોનું ટોળુ બે દિવસ અગાઉ મોડી રાત્રે શહેર ઉત્તર પોલીસ મથકે પહોંચ્યું હતું અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરતા પોલીસે પણ આવા લોકોને પાઠ ભણાવવાની બાંહેધરી આપી હતી.

ડીસા શહેર ઉત્તર પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી ગઈ હતી અને વિવિધ ગુનાઓમાં ત્રણ શખ્સોની અટકાયત કરી હતી. જેમાં બકાજી ઠાકોર, દેવચંદ ઠાકોર અને દિપક ઠાકોરની અટકાયત કરી હતી. આ ત્રણેય અગાઉ અનેક ગુનાઓ સંડોવાયેલા છે અને આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લોકોને હેરાન કરી રહ્યા હતા. જેને પગલે આજે પોલીસે ત્રણેય શખ્સોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.