ડીસા તાલુકાના માલગઢ ગામમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પીઢ આગેવાન અશોક ગેહલોતની જાહેર સભા યોજાઈ હતી. જેમાં ભાજપ સરકારના 'ઇસ બાર 400 કે પાર'ના સ્લોગનને દમ વગરનું ગણાવ્યું હતું.

લોકસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલુ કરી દેવામાં આવ્યો છે. આજે ડીસા ભીલડી હાઈવે પર આવેલ પાર્વતી કોલ્ડ સ્ટોરેજ ખાતે બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતની જાહેરસભા યોજાઈ હતી.

સભામાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, રાજસ્થાન અને ગુજરાતમાં સબ જગહ માહોલ બના હુઆ હૈ, પબ્લીકમે દીનોદિન માહોલ બનતા જા રહા હે. વો જો કહતે હૈ 'ઇસ બાર 400 પાર' ઉસ્મે કુછ દમ નહી હે ઓર રૂપાલાજી પઢે લીખે હે લેકિન બોલનેમે મેચ્યોર નહિ હે.

જ્યારે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ચૂંટણી જીતવા માટે ભાજપના કાવાદાવા પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, એક બાજુ જનશક્તિ છે એક બાજુ ધન શક્તિ છે. ઇતિહાસ ગવાહ છે 1947મા ગાંધીજીને દેશની આઝાદી માટે સુખી સંપન્ન લોકોએ પોતાની સંપત્તિ દેશ માટે અર્પણ કરી હતી. જ્યારે વર્તમાન સમયમાં સુખી સંપન્ન લોકો ગરીબોના ચૂસેલા પૈસા ભેગા કરી ભાજપને ચૂંટણી લડવા માટે આપી રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એક બાજુ દબાવની રાજનીતિ છે જ્યારે બીજી બાજુ ડેમોક્રેસી બચાવવાની રાજનીતિ છે. લોકશાહીને બચાવવા માટે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મજૂરી કરીને ભેગા કરેલા પૈસા આપી રહ્યા છે. એક બાજુ સામ, દામ, દંડ, ભેદની રાજનીતિ છે. સામેવાળા લોકો વિવિધ ડિપાર્ટમેન્ટના લોકોને ભેગા કરી ફરજિયાત ફાળો ભેગો કરી રહ્યા છે. આ ચૂંટણી ભાજપ-કોંગ્રેસ વચ્ચે કરતા વિચારધારાની લડાઈ વધુ છે. એક વ્યક્તિના લીધે જિલ્લાનું વાતાવરણ સરમુખત્યારશાહી તરફ ધકેલાઈ રહ્યું છે તેમાંથી જિલ્લાને બચાવવા માટેની ચૂંટણી છે.