ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના અલગ-અલગ ત્રણ ગુનાઓમાં છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો આરોપી પકડાયો હતો. દિયોદર પોલીસે ફરાર આરોપીને રાજસ્થાનમાંથી પકડી લાવી ડીસા શહેર દક્ષિણ પોલીસને હવાલે કર્યો હતો.
લોકસભાની ચૂંટણીને અનુલક્ષી બનાસકાંઠા જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે અને પોલીસ પણ આચારસંહિતાના અમલ અંતર્ગત નાસતા-ફરતા આરોપીઓ અને અસામાજિક તત્વો પર લગામ કસી રહી છે. જે અંતર્ગત દિયોદર પોલીસ પણ આવા આરોપીઓને પકડી પાડવા માટેની તપાસમાં હતી. તે સમયે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના અલગ અલગ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.
રાજસ્થાનના સાચોર જિલ્લાના દામણ ગામે રહેતા પ્રહલાદ દેવારામ મેઘવાળ નામના વ્યક્તિ સામે 2010 ની સાલમાં ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે અલગ-અલગ ત્રણ જેટલા ગુનાઓ નોંધાયા હતા. જે ગુનાઓમાં આરોપી અત્યાર સુધી નાસતો-ફરતો પોલીસ પકડથી દૂર હતો પરંતુ દિયોદર પોલીસ તપાસમાં હતી. તે સમયે આરોપીની માહિતી મળતા જ પોલીસે રાઉન્ડઅપ કરી આરોપીને તેના ગામેથી પકડી પાડ્યો હતો અને આ પરપ્રાંતિય આરોપીને પકડી ગુજરાતમાં લાવી ડીસા શહેર દક્ષિણ પોલીસને સોંપતા આગળની કાર્યવાહી શરૂ કરી છે.