ડીસાની એક યુવતીને લગ્ન બાદ સાસરીયાઓ દહેજ માટે અસહ્ય ત્રાસ આપી મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂકી હોવાની ઘટના સામે આવી છે. તેમજ સસરાએ પણ પુત્રવધુના રૂમમાં જઈ શારીરિક અડપલા કરતા કંટાળેલી યુવતીએ પતિ, સાસુ, સસરા સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ડીસા તાલુકાના એક ગામમાં રહેતી યુવતીના લગ્ન ચંદાજી ગોળીયા ગામના મુકેશ ઉર્ફે કેશરાજ સોમાજી સોલંકી સાથે સમાજના રીતરિવાજ મુજબ એક વર્ષ અગાઉ થયા હતા. લગ્ન થયા બાદ યુવતી તેના પતી અને સાસુ સસરા સાથે અમદાવાદ ખાતે રહેતી હતી.

લગ્નના એકાદ મહિના સુધી સારી રીતે રાખ્યા બાદ તેના પતિએ હેરાન કરવાનું શરૂ કર્યું હતું અને તેનો પતિ ઘરે મોડા સુધી આવતો નહીં અને આવ્યા બાદ વીડિયો કોલ કરી અન્ય યુવતીઓ સાથે વાત કરતો હતો. જેથી અકળાયેલી પત્નીએ આવું વ્યવહાર ન કરવાનું જણાવતા તેનો પતિ તે ઘરમાં શોભતી નથી, ભીખારીના પેટની છે, તારા પિતાના ઘરેથી કંઈ લાવી નથી જેવા મ્હેણાં ટોળા મારતા યુવતી તેના પિયરમાંથી 27 હજાર અને ત્યારબાદ 50 - 50 હજાર લાવી કુલ 1.27 લાખ રૂપિયા તેના પતિને આપ્યા હતા.

ત્યારબાદ પણ દહેજ ભૂખ્યા સાસરિયાઓએ તેને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું અને બાદમાં યુવતી તેના રૂમમાં એકલી સૂતી હતી તે સમયે તેના સસરા રૂમમાં આવી તેના પર કૂચેષ્ઠા કરી શારીરિક અડપલા કરતા યુવતી ડરી ગઈ હતી અને રૂમ બહાર દોડી આવી હતી. આ બનાવ અંગે સાસુ અને પતિને જાણ કરતા તે લોકોએ યુવતી સાથે મારઝૂડ કરી અને યુવતીને પહેરેલે કપડે ઘરમાંથી કાઢી મુકી હતી. જેથી યુવતી તેના મામાના ઘરે આવી ગઈ હતી.

ત્યારબાદ તેના પીયરીયાઓએ બેથી ત્રણ વખત સમાજના આગેવાનો દ્વારા સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવતીના સાસરિયા યુવતી જોઈતી નથી અને જો તેમના ઘરે જશે તો તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પીડિત યુવતીએ તેના પતિ અને સાસરા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.