ઉનાળાની સીઝન દરમિયાન ડીસા શહેરમાં ઠેર-ઠેર ઉભા થતાં શેરડી રસના કોલાની નગરપાલિકા દ્વારા હરાજી કરવામાં આવતા પાલિકાને રૂ. 8.50 લાખની ઉપજ થવા પામી છે. ડીસાના સરદાર બાગ આગળ ગેટની બંને બાજુ શેરડી કોલા મુકવા માટે સૌથી ઊંચી બોલી રૂપિયા 4 લાખની લગાવવામાં આવી હતી.
ડીસા શહેરમાં ઉનાળાની સિઝન દરમિયાન શેરડી રસનો ધંધો કરવા આવતા પરપ્રાંતિયો અગાઉ જ્યાં જગ્યા મળે ત્યાં શેરડીના કોલા લઈને બેસી જતાં હતા. જેથી હંગામી દબાણ તેમજ ટ્રાફિકને પણ નડતર થતું હતું. જો કે, છેલ્લા કેટલાંક વર્ષોથી ડીસા નગરપાલિકા દ્વારા ટ્રાફિકને નડતરરૂપ ન થાય તેવી જગ્યા ઉપર આવા હંગામી ધંધાર્થીઓને જગ્યા ફાળવવાનું નક્કી કરી તે જગ્યાની હરાજી કરી જગ્યા ફાળવવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ડીસા શહેરમાં ઉનાળા દરમિયાન ઠેર-ઠેર ઉભા થતાં શેરડી રસ કોલાઓની જગ્યાની હરાજી પાલિકાના સભાગૃહમાં રાખવામાં આવી હતી.
જેમાં પાલિકા દ્વારા કુલ 50 જેટલી જગ્યાઓની ફાળવણી કરાતા હરાજીમાં રૂ. 8.50 લાખની પાલિકાને આવક થઈ હતી. જેમાં સૌથી ઊંચી બોલી શહેરના મુખ્ય હાર્દ સમાન વિસ્તાર ગણાતા સરદાર બાગના ગેટની બંને બાજુ કોલા મૂકવાના રૂપિયા બે-બે લાખની હરાજી બોલાઈ હતી. પાલિકા દ્વારા હરાજીમાં બોલવા માટે રૂપિયા 2,000 ની ડીપોઝીટ રાખવામાં આવી હતી. હજુ પણ 20 જેટલી જગ્યાઓની હરાજી પેન્ડિંગ રાખવામાં આવી હોવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.